(ANI Photo)

બોલીવૂડમાં જુના અને જાણીતા કલાકારોની સરખામણીએ નવોદિતો ઘણા સફળ થઇ રહ્યા હોવાનું જણાયું છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક એવો પણ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે, મોટા બજેટની ફિલ્મો સુપર ફ્લોપ ગઇ છે જ્યારે નાની ફિલ્મો અનુમાન કરતા ઘણી સફળ થઇ છે. ‘સ્ત્રી 2’, ‘લાપતા લેડીઝ’ અને ‘મુંજ્યા’ જેવી ફિલ્મો સુપર હિટ ગઇ છે.

યુવા અભિનેત્રી આલિયા ભટ્ટે તેની નવી ફિલ્મ ‘જિગરા’માં એક્શન ભૂમિકા ભજવવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સ્ટંટ કર્યા અને ગુંડાઓ સાથે લડી, પોતાના ભાઈને બચાવવા માટે બહાદુર બંકાના રોલમાં હતી. પરંતુ આટલું તેની ફિલ્મને સફળ બનાવવા અને દર્શકોને સિનેમા સુધી ખેંચી લાવવા પર્યાપ્ત નહોતું. આ ફિલ્મ જે દિવસે રિલીઝ થઈ એ જ દિવસે રાજકુમાર રાવની ‘વિક્કી વિદ્યા કા વો વાલા વીડિયો’ રિલીઝ થઈ અને તે કમાણીમાં આગળ નીકળી ગઈ. ત્યારે એટલું આશ્વાસન રહ્યું છે કે જો આલિયાની ફિલ્મને સોલો રિલીઝ મળી હોત તો કદાચ વધારે સારો બિઝનેસ કર્યો હોત.

તો બીજી તરફ નવોદિત અભિનેત્રી શ્રદ્ધા કપૂરની ‘સ્ત્રી 2’ ગત વર્ષની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આમ આ ફિલ્મે શ્રદ્ધાને બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરનારી અભિનેત્રીની યાદીમાં સ્થાન અપાવ્યું છે. અન્ય યુવા અભિનેત્રી રશ્મિકા મંદાનાએ શ્રીવલ્લી તરીકે ફરી એક વખત મોટા પડદે એન્ટ્રી કરી હતી. તેણે ફરી એક વખત પુષ્પાના ચાહકોના મનમાં પોતાની જગ્યા બનાવી લીધી છે. પુષ્પા ભલે ગમે તેટલો ફાયર હોય પરંતુ શ્રીવલ્લીએ પણ દર્શકોના મન પર એક ચોક્કસ છાપ છોડી છે. તે પોતાના અભિનયથી ફિલ્મને એક નવા સ્તર પર લઇ જવામાં સફળ રહી છે. તેની એનર્જી અને નજાકતથી તેણે પુષ્પાની લાઇફ પણ રસપ્રદ બનાવી દીધી છે.

યામી ગૌતમની ‘આર્ટિકલ 370’ અસરકારક ફિલ્મ પણ સાબિત થઈ. તેમાં યામીના પ્રભાવશાળી અભિનય અને ઊંડાણપૂર્વકના પાત્રના ઘણા વખાણ થયા હતા.

તાપસી પન્નુએ મુખ્ય ધારાની ફિલ્મોમાં પોતાનું સ્થાન મજબૂત કરી લીધું છે. તેણે મજબૂત ફિલ્મો આપી છે, જેમાં ઓટીટી પર આવેલી તેની ‘ફિર આયી હસીન દિલરૂબા’ અને મોટા પડદે રિલીઝ થયેલી ફિલ્મ ‘ખેલ ખેલ મેં’ માં તેનો અભિનય વખણાયો હતો.

ક્રિતિ સેનને ‘તેરી બાતોં મેં ઐસા ઉલઝા જિયા’માં એક રોબોટનો રોલ કર્યો છે. તેના આ અભિનયની ઘણી પ્રશંસા થઈ છે. બાદ ઘણા વખત પછી ભારતીય દર્શકોને ડબલ રોલ જોવા મળ્યો, તેનું શ્રેય પણ ક્રિતિને જાય છે. તેણે ‘દો પત્તી’માં ડબલ રોલના અભિનય દ્વારા પણ તેણે દર્શકોના દિલ જીતી લીધાં હતા.

છેલ્લા કેટલાક સમયથી બોલીવૂડમાં નિષ્ફળ કલાકારોમાં અક્ષયકુમારનું નામ ચર્ચામાં છે. અક્ષયકુમાર હંમેશા એક વર્ષમાં બે-થી ત્રણ ફિલ્મો કરે છે. આ ફિલ્મો એક જ વર્ષમાં એક પછી એક રિલીઝ પણ થતી રહે છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે આ અંગે અમિતાભ બચ્ચને આપેલી સલાહની પણ વાત કરી હતી. પણ આ વર્ષ અક્ષય માટે એવું રહ્યું કે, તેણે થોડું અટકીને મનોમંથન કરવાની જરૂર છે. ગત વર્ષે તેની ત્રણ ફિલ્મો રીલીઝ થઇ અને બે ફિલ્મોમાં તેણે મહેમાન કલાકારનો રોલ કર્યો હતો. તેની મહેમાન ભૂમિકા વાળી બંને ફિલ્મો ‘સ્ત્રી 2’ અને ‘સિંઘમ અગેઇન’ તો સારી ચાલી પરંતુ તેનો લીડ રોલ હતો એ બધી ફિલ્મો ફ્લોપ ગઈ. ‘બડે મિયાં છોટે મિંયા’, ‘ખેલ ખેલ મેં’ અને ‘સરફિરા’ ભેગા થઇને કુલ 130.62 કરોડ માંડ કમાઈ શક્યા. તેમાં પણ ‘બડે મિંયા છોટે મિંયા’ તો ખૂબ મોટા બજેટ સાથે બની હતી, જે બિલકુલ ચાલી નહીં.

રિતિકની ‘ફાઇટર’ફિલ્મની રાહ તો આતુરતાપૂર્વક જોવાતી હતી. કારણ કે આ ફિલ્મમાં રિતિક અને દીપિકા પહેલી વખત એકસાથે જોવા મળવાનાં હતાં. શાહરુખ સાથે ‘પઠાણ’ જેવી સફળ ફિલ્મ આપનાર સિદ્ધાર્થ આનંદે આ ફિલ્મ બનાવી હતી. આ ફિલ્મ બિલકુલ ન ચાલી અને સિદ્ધાર્થે તેની પાછળ જે વિચિત્ર કારણ આપ્યું તેણો વિવાદ જગાવ્યો. સિદ્ધાર્થે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું, “આપણા દેશની 90 ટકા જનતા ક્યારેય પ્લેનમાં બેઠી નથી. તેમણે ક્યારેય એરપોર્ટ જોયું નથી, તેથી તેમને ખબર જ ન પડી કે ફિલ્મમાં શું બની રહ્યું છે.”

બીજી તરફ અજય દેવગન, કરીના કપૂર ખાન અને દીપિકા પાદુકોણ માટે ગત વર્ષ થોડું અપવાદરૂપ રહ્યું છે. અજયની ‘શૈતાન’ સારી ચાલી તો ‘મૈદાન’ ખાસ ન ચાલી. જ્યારે ‘સિંઘમ અગેઇન’ કાર્તિક આર્યનની ‘ભુલભુલૈયા 3’ સાથે ટક્કર છતાં હિટ રહી. કરીનાના પણ આ ફિલ્મમાં વખાણ થયા, સાથે તેની ‘બકિંગહામ મર્ડર’માં તેના વખાણ તો થયાં પણ ફિલ્મ ચાલી નહીં. તે બોક્સ ઓફિસ પર માત્ર રૂ. 15.84 કરોડમાં સમેટાઈ ગઈ. જ્યારે દીપિકાની ‘કલ્કિ 2898 એડી’ અને ‘સિંઘમ અગેઇન’ તો હિટ રહી પરંતુ ‘ફાઇટર’માં તેને પણ રિતિકની જેમ નિષ્ફળતાનો સ્વાદ ચાખવો પડ્યો હતો.

LEAVE A REPLY