(Photo: X/ @RadharamnDas)

ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ઇસ્કોન)એ શનિવારે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં ઢાકા જિલ્લામાં તેનું સેન્ટર વહેલી સવારે બાળી નાખવામાં આવ્યું હતું. કટ્ટરવાદીઓએ રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ હુમલો કરીને પેટ્રોલ છાંટીને આગ ચાંપતા દેવતાઓની મૂર્તિઓ અને મંદિરની તમામ સાધન-સામગ્રી પણ બળીને ખાખ થઈ હતી.

ઇસ્કોન કોલકાતાના વાઇસ પ્રેસિડેન્ટ રાધરમણ દાસે જણાવ્યું હતું કે સમુદાયના સભ્યો અને વૈષ્ણવ પંથના સભ્યો પર ટાર્ગેટેડ હુમલાઓ બેરોકટોક ચાલી રહ્યાં છે. ઉપદ્વવીઓએ નમહટ્ટા મંદિરમાં મૂર્તિઓને સળગાવી દીધી હતી.

તેમણે X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં ઇસ્કોન નમહટ્ટા સેન્ટર બળીને ખાખ થઈ ગયું છે. શ્રી શ્રી લક્ષ્મી નારાયણ દેવ અને મંદિરની તમામ સામગ્રી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે. આ સેન્ટર ઢાકામાં આવેલું છે. હરે કૃષ્ણ નમહટ્ટ સંઘ હેઠળ આવતા શ્રી શ્રી રાધા કૃષ્ણ મંદિર અને શ્રી શ્રી મહાભાગ્ય લક્ષ્મી નારાયણ મંદિરને

ઉપદ્વવીઓએ આજે વહેલી સવારે 2-3 વાગ્યાની વચ્ચે આગ લગાવી દીધી હતી. આ સેન્ટર ઢાકા જિલ્લાના તુરાગ પોલીસ સ્ટેશનની હદના ધૌર ગામમાં આવેલું છે. મંદિરની પાછળના ભાગમાં ટીનની છત ઉઘાડી નાંખીને પેટ્રોલ અથવા બીજા જ્વલનશીલ પદાર્થો નાંખીને આગ ચાંપવામાં આવી હતી.

દાસે જણાવ્યું હતું કે હુમલાઓ સતત ચાલુ છે. ઇસ્કોને બાંગ્લાદેશમાં વચગાળાની સરકારનું ધ્યાન દોર્યું હોવા છતાં પોલીસ અને વહીવટીતંત્રે તેમની ફરિયાદો દૂર કરવા અને તેમની ચિંતાને દૂર કરવા માટે કોઇ પગલાં લેવામાં આવ્યા નથી. તેમણે અગાઉ જણાવ્યું હતું કે ઇસ્કોન ઇન્ડિયાએ બાંગ્લાદેશમાં હિંદુઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે તથા બાંગ્લાદેશના તેના સાધુઓ અને અનુયાયીઓને વિનંતી કરી છે કે તેઓ ‘તિલક’ ન લગાવે અને સમજદારીપૂર્વક ધર્મનું પાલન કરે અને પોતાની ઓળખ છુપાવે.

LEAVE A REPLY