ઉત્તરપ્રદેશના જૌનપુર જિલ્લાના મુખ્યમથકથી 35-40 કિમી દૂર આવેલું એક નાનકડું ગામડું એક દુર્લભ ટ્રેન્ડ માટે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. દેહરી મુખ્યત્વે મુસ્લિમ ગામ છે, જેમાં 7000થી વધુ મુસ્લિમો અને 5000 હિન્દુઓ યુગોથી સંપૂર્ણ સુમેળમાં સાથે રહે છે. જોકે ગામમાં અચાનક એક નવો ટ્રેન્ડ ઊભર્યો છે. ગામના આશરે 70 મુસ્લિમોએ તેમના નામોમાં ‘બ્રાહ્મણ’ અટક લખવાનું ચાલુ કર્યું છે. તેઓ કહે છે કે તેમણે હિંદુ ધર્મ વાપસી કરી નથી, પરંતુ તેમના પૂર્વજો હિન્દુ હોવાથી તેઓ આવા નામ રાખી રહ્યા છે.
આ ગામના નૌશાદ અહમદે પુત્રીના લગ્નના કાર્ડમાં નૌશાદ અહમદ દુબે તરીકે પોતાનું નામ લખ્યું ત્યારે બધાનું ધ્યાન તેમના પર પડ્યું હતું. આ જ ગામમાં પાંડેજી અથવા ઈર્શાદ અહમદ પાંડે પણ રહે છે.
નૌશાદ અહમદ દુબેએ જણાવ્યું હતું કે ‘મારા પરિવારના લોકોએ વર્ષોથી ચૌધરી, સોલંકી, ત્યાગી, પટેલ, રાણા, સિકરવાર જેવી સરનેમનો ઉપયોગ કર્યો છે. મે મારા નામની પાછળ શેખ નથી લગાવ્યું, પરંતુ મારા સગા સંબંધીઓના નામની પાછળ શેખ લાગે છે. અમે શેખ સરનેમ નથી અપનાવી કેમ કે તે અરબી છે, ભારતીય નથી. મારા પરિવારના વરિષ્ઠ સભ્યો ગામમાં પંડિતજીની સરનેમથી ઓળખાય છે. મારા પરદાદા મને કહેતા હતા કે લાલ બહાદુર દુબે આ ગામમાં આવ્યા હતાં અને એક જમીદારી ખરીદી હતી. બાદમાં તેમણે ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો.
તેઓ બધા ઇસ્લામિક પ્રથાઓનું પાલન કરે છે, પરંતુ હિંદુ દેવી-દેવતાઓને પ્રણામ કરવા મંદિરમાં પણ જાય છે. તેઓ પવિત્ર કુરાનનું પાલન કરે છે, પરંતુ ગામના મંદિરમાં આરતીમાં પણ ભાગ લે છે.