ભારતમાંથી ઓર્ગેનાઈઝેશન ઓફ ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD) દેશોમાં સ્થળાંતર કરનારા લોકોની સંખ્યા દર વર્ષે વધી રહી છે. 2022માં 5.6 લાખ ભારતીયો ધનિક OECD દેશોમાં ગયા હતા, જે અગાઉના વર્ષની સરખામણીમાં 35 ટકાનો મોટો વધારો દર્શાવે છે.પેરિસમાં ગુરુવારે જારી કરાયેલા ઈન્ટરનેશનલ માઈગ્રેશન આઉટલુક 2024માં આ અંગેની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
ધનિક OECD દેશોમાં નવા માઈગ્રન્ટના સ્ત્રોત તરીકે ભારત ટોચ પર રહ્યું હતું જ્યારે 3.2 લાખ સાથે ચીન બીજા ક્રમે રહ્યું હતું. OECD દેશોમાં જેટલા પણ નવા ઈમિગ્રન્ટ્સ આવ્યા હતા તેમાં ભારતીયોનો હિસ્સો 6.4 ટકા રહ્યો હતો જ્યારે ચીનનો હિસ્સો 3.8 ટકા હતો. પરંતુ આમાં સૌથી ધ્યાન રશિયાએ ખેંચ્યું છે કેમ કે માઈગ્રેશનમાં રશિયન નાગરિકોની સંખ્યામાં પણ વધારો થયો છે. 2022માં 2.6 લાખ રશિયન નાગરિકો OECD દેશોમાં માઈગ્રેટ થયા હતા. આ યાદીમાં રશિયા 18માં ક્રમે રહ્યું હતું.
2022માં યુકેએ 1.12 લાખ ભારતીયોને આવકાર્યા હતા અને આ આંકડો 2021 કરતા લગભગ ડબલ જેટલો છે. જ્યારે 1.25 લાખ ભારતીયોએ અમેરિકામાં સ્થળાંતર કર્યું હતું જે અગાઉના વર્ષ કરતાં 35 ટકાનો વધારો દર્શાવે છે. કેનેડામાં 1.18 લાખ ભારતીયોએ માઈગ્રેટ કર્યું હતું પરંતુ તે સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. અગાઉના વર્ષની સરખામણીમાં કેનેડા માઈગ્રેટ થનારા ભારતીયોની સંખ્યામાં આઠ ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ દેશોમાં ભારતીયો મુખ્યત્વે લેબર પાથવે દ્વારા માઈગ્રેટ થાય છે. જેમાં ઘણીવાર મુખ્ય અરજદારો તરીકે અથવા પરિવારના સભ્યો સાથે માઈગ્રેટ થાય છે.
કોવિડ-સંબંધિત નિયંત્રણોના બે વર્ષ પછી ચીનમાંથી પણ નોંધપાત્ર માઈગ્રેશન શરૂ થયું હતું. 2022માં OECD સભ્ય દેશોમાં ત્રણ લાખથી વધુ ચાઈનીઝ ઈમિગ્રન્ટ્સ ગયા હતા જે અગાઉના વર્ષ કરતાં 13 ટકા વધારે છે. ખાસ કરીને ચીનમાંથી અમેરિકામાં માઈગ્રેશનના પ્રવાહમાં 37 ટકાનો વધારો નોંધાયો છે. રશિયા અને રોમાનિયામાંથી પણ 2.7 લાખ નવા ઈમિગ્રન્ટ્સ OECD દેશોમાં ગયા હતા. જ્યારે તુર્કિયે, ઈઝરાયલ અને જર્મની રશિયન ઈમિગ્રન્ટ્સ માટે પ્રાથમિક OECD સ્થળો તરીકે ઉભરી આવ્યા છે. બીજી તરફ રોમાનિયાના નાગરિકો મોટાભાગે જર્મની, સ્પેન અને ઈટાલી જેવા દેશોમાં ગયા હતા.
2022માં 1.9 લાખ ભારતીયોએ OECD દેશનું નાગરિકસ્ત મેળવ્યું હતું જે અગાઉના વર્ષ કરતાં 40 ટકા વધારે છે. OECDમાં નવા સિટિઝન્સમાં ભારતીયો ટોચ પર રહ્યા હતા. જેમાં કેનેડાની સિટિઝનશિપ મેળનારા ભારતીયોની સંખ્યામાં ત્રણ ગણો વધારો થયો છે. 2022માં 60,000 જેટલા ભારતીયોએ કેનેડાની સિટિઝનશિપ મેળવી હતી અને 2023ના વર્ષનો આંકડો તેનાથી પણ વધારે હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.