અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે પ્રેસિડન્ટની ચૂંટણી લડી રહેલા વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે શુક્રવારે જણાવ્યું હતું કે તેઓ પ્રેસિડન્ટ જો બાઇડનથી તદ્દન અલગ છે, કારણ કે તેઓ નવી પેઢીનું નેતૃત્વ ઓફર કરે છે અને તેઓ પરિવર્તન લાવવાના માટેના ઉમેદવાર છે.
ડેમોક્રેટિક પક્ષ તરફથી પ્રેસિડન્ટના ઉમેદવાર બન્યા પછી પ્રથમ ટીવી ઇન્ટરવ્યૂમાં હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પની નફરત અને વિભાજનકારી નીતિઓની આકરી ટીકા કરતાં જણાવ્યું હતું કે લોકો ટ્રમ્પની નેતૃત્વની આવી શૈલીથી કંટાળી ગયા છે.તેઓ પણ બંદૂકના માલિક છે અને કોઈની બંદૂકો છીનવી લેવા માંગતા નથી, પરંતુ એસોલ્ડ સ્ટાઇલ હથિયારો પર પ્રતિબંધ જરૂરી છે.
પોતે બાઇડનથી કેવી રીતે અલગ પડે છે તેવા ફિલાડેલ્ફિયામાં WPVI-TVના એન્કર બ્રાયન ટાફના સવાલના જવાબમાં હેરિસે જણાવ્યું હતું કે હું દેખીતી રીતે જો બાઇડન નથી અને હું નેતૃત્વની નવી પેઢી ઓફર કરું છું. એક વખત અવગણના કરાયેલી બાબતોની ફરી અવગણના કરી શકાય નહીં. ઉદાહરણ તરીકે નવા અભિગમ સાથેની મારી બીજા યોજના એ છે કે હું યુવાન પરિવારો માટે તેમના બાળકના જીવનના પ્રથમ વર્ષ માટે ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ 6,000 ડોલર સુધી લઈ જવા માગું છે, કારણ કે તે દેખીતી રીતે બાળકના વિકાસનો ખૂબ જ નિર્ણાયક તબક્કો છે. મારો અભિગમ નવા આઇડિયા, નવી નીતિઓ અંગેના છે. મારા ફોકસ 21મી સદી સાથે તાલ મિલાવવા માટે આગામી 10થી 20 વર્ષોમાં આપણે શું કરવાની જરૂરી છે તેના પર છે.
ટ્રમ્પની છાવણી મીડિયા ઇન્ટરવ્યૂને ટાળવાનો આક્ષેપ કરી રહી છે ત્યારે હેરિસે આ ઇન્ટરવ્યૂ આપ્યો હતો. હેરિસ અને વાઇસ પ્રેસિડન્ટના ઉમેદવાર ટીમ વોલ્ઝે ગયા મહિને સીએનએનને સંયુક્ત ઇન્ટરવ્યૂ આપ્યું હતું. તેઓ વધુ સ્થાનિક ઇન્ટરવ્યૂ આપશે.