ભારત સહિતના ડેઝીગ્નેટેડ સલામત દેશોની યાદીમાં આવતા દેશોમાંથી યુકેમાં ગેરકાયદેસર રીતે પ્રવેશતા માઇગ્રન્ટ્સની એસાયલમ માટેની અરજીઓનો લેબર સરકારની નવી દરખાસ્તો હેઠળ ઝડપથી ઉકેલ લાવવામાં આવશે અને તેના લોકોને ઝડપથી પાછા મોકલવા માટે કાર્યવાહી કરવામાં આવશે.
હોમ સેક્રેટરી હ્યુવેટ કૂપરે ‘ધ સન ઓન સન્ડે’માં લખ્યું હતું કે ‘’હોમ ઑફિસ ગેરકાયદેસર કામદારોને રોજગારી આપતા બિઝનેસીસ પર દરોડામાં વધારો કરશે અને તેવા લોકોને તેમના મૂળ દેશોમાં પાછા મોકલવાની યોજના ધરાવે છે. અમે ફાસ્ટ-ટ્રેક નિર્ણયો લેવા અને સલામત દેશોમા લોકોને પાછા મોકલવા માટે નવી યોજનાઓ બનાવી રહ્યા છીએ. જે લોકોને દેશમાં રહેવાનો કોઈ અધિકાર નથી તેમને ઝડપથી દૂર કરવામાં આવે છે. અમે ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટને સમરમાં તેમની કામગીરીને વધુ તીવ્ર બનાવવા માટે નિર્દેશ આપ્યો છે. કાર વોશ તથા બ્યુટી સેક્ટરમાં ગેરકાયદેસર કામ આપી શોષણ કરાતું હોવાના બનાવો વધુ બને છે.’’
ભારતને ગયા નવેમ્બરમાં યુકેના “સેફ સ્ટેટ્સ” યાદીમાં ઉમેરવામાં આવ્યું હતું. હોમ ઓફિસના આંકડા દર્શાવે છે કે ભારતથી આવીને એસાયલમ માગતા લોકોનો સ્વીકૃતિ દર ઘણો ઓછો છે. આ સલામત દેશોની યાદીમાં વિયેતનામ અને અલ્બેનિયાનો સમેવેશ પણ થાય છે.