રેડબ્રિજમાં કેર હોમમાં રહેતા વૃદ્ધ હિંદુ મહિલા ‘દિપ્તી સી’ની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જરૂરિયાતોની ઉપેક્ષા કરાઇ રહી હોવાના આરોપ સાથે તેમને હિન્દુ મહિલાની જરૂરિયાતો પૂરી થઇ શકે તેવા કેર હોમમાં મૂકવાની માંગણી સાથે ઇસ્ટ લંડનના ઇલફર્ડ સ્થિત એસોસિએશન ઑફ હિન્દુ ઓર્ગેનાઈઝેશન્સ (AOHO) ના સભ્યોએ લિન્ટન હાઉસ, ઈલફર્ડ ખાતે કાઉન્સિલ ઑફિસની બહાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
AOHOનો આરોપ છે કે રેડબ્રિજમાં રહેતા વૃદ્ધ હિંદુ મહિલા દિપ્તી સીના સેફગાર્ડીંગ ઇસ્યુનો સ્થાનિક કાઉન્સિલ દ્વારા કથિત રીતે ગેરવહીવટ કરવામાં આવ્યો છે.
અપ્ટન હિન્દુ કોમ્યુનિટી એસોસિએશનના પ્રતિનિધિ અને વિરોધ પ્રદર્શનમાં ભાગ લેનાર શ્રી નરેન્દ્રભાઇ રાવે કહ્યું હતું કે “વૃધ્ધ મહિલાને મળવા જનાર હિન્દુ સંસ્થાના કાર્યકરોને કેર હોમમાં તેમને મળતા રોકવામાં આવ્યા હતા. અમે ચિંતિત છીએ કે તેણીની આધ્યાત્મિક અને સાંસ્કૃતિક જરૂરિયાતો પૂરી થઈ રહી નથી, જે તેણીની સુખાકારી માટે નિર્ણાયક છે. અમારી માંગ છે કે તેમને હિન્દુ વૃધ્ધો માટેના વિશેષ કેર હોમમાં મૂકવામાં આવે.”
છેલ્લા છ મહિનાથી, કાઉન્સિલે મહિલાને તેના સમુદાયથી અલગ કરીને તેમનો સંપર્ક કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ કાર્યવાહીથી સમુદાયના સભ્યોમાં આક્રોશ ફેલાયો છે અને તેમના કેસને જે રીતે હેન્ડલ કરવામાં આવે છે તેમાં તાત્કાલિક ફેરફારની માંગ કરવા માટે પ્રેરિત કર્યા છે.
વિરોધ દરમિયાન, સમુદાયના નેતાઓએ સ્થિતિની વિગતવાર ચર્ચા કરવા માટે રેડબ્રિજમાં એડલ્ટ સોસ્યલ સર્વિસીસના જવાબદાર અધિકારીને મળીને રજૂઆત કરી હતી. જેને પગલે તેમણે ખાતરી આપી હતી કે તેઓ આ અંગે ઘટતુ કરશે અને મહિલાને સુપરવાઇઝરની ઉપસ્થિતીમાં મળવા દેવા માટે પણ સહમત થયા હતા. ડેલિગેશને સંવેદનશીલ પુખ્ત વયના લોકોની સંભાળમાં સાંસ્કૃતિક સંવેદનશીલતા અને સર્વસમાવેશકતાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
હિન્દુ સમુદાયે વૃદ્ધ મહિલા માટે વધુ સારી દેખરેખ અને સંભાળની માંગણી કરતી એક પીટીશન પણ શરૂ કરી છે, જેમાં પહેલેથી જ 500થી વધુ સહીઓ એકત્રિત થઇ ચૂકી છે, જે સ્થાનિક રહેવાસીઓમાં વ્યાપક સમર્થન અને ચિંતાને પ્રતિબિંબિત કરે છે.