(Photo by Justin Sullivan/Getty Images)
અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડેન્ટપદ ચૂંટણી માટે બંને મુખ્ય પક્ષો માટે રસાકસી તીવ્ર બની રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પ સામેની ડીબેટમાં પ્રેસિડેન્ટ જો બાઇડેનના નબળા દેખાવને કારણે ડેમોક્રેટ્સમાં થોડી નિરાશા ફેલાઈ છે. પક્ષમાં કેટલાક લોકો કહે છે કે બાઈડેને ચૂંટણીની સ્પર્ધામાંથી ખસી જવું જોઈએ. કેટલાક અહેવાલો મુજબ બાઇડેનના નબળા દેખાવને કારણે ડેમોક્રેટીક પાર્ટી દાતાઓ અને મતદારોનું સમર્થન ગુમાવી રહી છે.
તાજેતરમાં થયેલા એક સર્વેમાં બહાર આવ્યું છે કે, બાઇડેન ચૂંટણી કેમ્પેઇનમાંથી ખસી જાય તો વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ તેમના સ્થાને ડેમોક્રેટિક પાર્ટીની ઉમેદવારી માટે મજબૂત દાવેદાર છે. ગત સપ્તાહે યોજાયેલી ડીબેટમાં બાઇડેનનો દેખાવ ઘણા લોકોને નબળો અને અસ્થિર જણાયો હતો. કેટલાક નિરીક્ષકોના મતે જો કે, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાના પત્ની મિશેલ ઓબામા વધુ પ્રભાવશાળી ઉમેદવાર, દાવેદાર તરીકે ઉભરી આવે તેવી શક્યતા પ્રબળ છે.
જોકે, આ પરિસ્થિતિમાં બાઇડેનના કેમ્પેઇને ભારપૂર્વક જણાવ્યું હતું કે, પ્રેસિડેન્ટ આ ચૂંટણી જંગમાંથી ખસી જવાનો કોઇ ઇરાદો ધરાવતા નથી.
ગત સપ્તાહે શુક્રવારે ડેટા ફોર પ્રોગ્રેસ દ્વારા સંભવિત 1011 મતદારોનો સર્વે કરાયો હતો, તેમાં 387 ડેમોક્રેટિક મતદારો હોવાની સંભાવના હતી. આ સર્વેમાં ત્રણ ટકા ભૂલની શક્યતા સાથે તેના પરિણામો દર્શાવે છે કે, 39 ટકા ડેમોક્રેટ મતદારોએ બાઇડેનના સ્થાને કમલા હેરિસને પસંદ કર્યા હતા.
આ સર્વેમાં હેરિસ પછી બીજા ક્રમે 18 ડેમોક્રેટિક મતદારોએ કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂસોમને પસંદ કર્યા હતા. અન્ય ઉમેદવારોમાં 10 ટકા સાથે ટ્રાન્સપોર્ટેશન સેક્રેટરી પીટ બટ્ટીગીગ, 7 ટકા સાથે સેનેટર કોરી બૂકર અને 6 ટકા સાથે મિશિગનના ગવર્નર ગ્રેચેન વ્હિટમરનો સમાવેશ થાય છે. સેનેટર એમી ક્લોબુચર, ઇલિનોઇના ગવર્નર જે.બી. પ્રિટ્ઝકર અને પેન્સિલવેનિયાના ગવર્નર જોશ શાપિરોને 2-2 ટકા મત મળ્યા હતા. 6 ટકા ઉત્તરદાતાઓએ યાદીમાં ન હોય તેવી વ્યક્તિ પસંદ કરી હતી, જ્યારે 9 ટકા લોકો ઉમેદવાર બાબતે અનિર્ણિત હતા.
આ અંગે યુનિવર્સિટી કોલેજ લંડનમાં સેન્ટર ઓન યુએસ પોલિટિક્સના ડાયરેક્ટર અને પોલિટિકલ સાયન્સના એસોસિએટ પ્રોફેસર થોમસ ગિફ્ટે મીડિયાને જણાવ્યું હતું કે બાઇડેનને બદલવાથી ડેમોક્રેટ્સ અનિશ્ચિત પ્રદેશમાં સફળ થઇ શકે છે. બાઈડેનના સ્થાને ડેમોક્રેટિક પાર્ટી અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ બરાક ઓબામાનાં પત્ની મિશેલ ઓબામાને પ્રેસિડેન્ટપદનાં ઉમેદવાર બનાવાય એવી ચર્ચા પણ શરૂ થઈ છે. મિશેલના નામની ચર્ચા ચાર મહિનાથી થઇ રહી છે. અમેરિકામાં રાજકીય ચર્ચા માટે જાણીતાં સિન્ડી એડમ્સે છ મહિના અગાઉ ન્યૂયોર્ક પોસ્ટની કોલમમાં મિશેલ ઓબામા બાઈડેનનું સ્થાન લઇ શકે છે તેવી આગાહી કરી હતી. કહેવાય છે કે, સિન્ડીની આગાહી મોટાભાગે સાચી પડતી હોય છે તેથી આ વાતને લોકોએ વધુ ગંભીરતાથી લીધી છે.
જો કે, બાઈડેનના સ્થાને મિશેલ ઓબામાની ઉમેદવાર નક્કી થાય તો કમલા હેરિસ પણ વિરોધ કરે તેવી સંભાવના છે. કમલા હેરિસ ઇન્ડિયન અમેરિકન છે જ્યારે મિશેલ આફ્રિકન-અમેરિકન છે. અમેરિકામાં આફ્રિકન-અમેરિકન મતદારોની સંખ્યા અનેકગણી વધારે છે તેથી મિશેલને વધારે મજબૂત ઉમેદવાર માનવામાં આવે છે. રાજકીય રીતે પણ મિશેલ વધારે મજબૂત છે કેમ કે તેમના પતિ બરાક ઓબામા બે ટર્મ એટલે કે આઠ વર્ષ પ્રેસિડેન્ટપદે હતા. તે વખતે બાઈડેન આઠ વર્ષ સુધી દેશના વાઈસ પ્રેસિડેન્ટ રહ્યા. આ કારણે ઓબામા અને બાઈડેનના સંબંધો પણ મજબૂત છે. અત્યારે ઓબામા પણ બાઈડેન સમર્થનમાં છે. બાઈડેનના સમર્થકો પણ આ કારણે કમલા હેરિસના બદલે મિશેલ ઓબામાને પસંદ કરે તેવી પ્રબળ સંભાવના છે

LEAVE A REPLY