ANI
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ટેસ્ટ ક્રિકેટને બચાવવાના ભાગરૂપે ઓછામાં ઓછા 150 લાખ અમેરિકન ડોલરનું ફંડ એકત્ર કરવાની વ્યૂહરચના ઘડી રહી છે. તેમાં ખેલાડીઓની મેચ ફીમાં વધારો તથા તેમને માત્ર નાણાંકિય રીતે આકર્ષક ટી-20 ફ્રેન્ચાઈઝ લીગ તરફ ઢળતા અટકાવવાનો સમાવેશ થાય છે.
એક અહેવાલ મુજબ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ પ્રસ્તાવ મૂક્યો છે અને બીસીસીઆઇના સેક્રેટરી જય શાહ તથા ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે સમર્થન આપ્યું છે. વિશેષ ફંડના કારણે ટેસ્ટ ક્રિકેટરોની મિનિમમ ફીમાં વધારો થશે અને આ વિદેશના પ્રવાસ માટે ટીમોને મોકલતી વખતે થતો ખર્ચ કવર કરાશે. આ યોજનાથી વેસ્ટ ઇન્ડિઝ જેવા ક્રિકેટ બોર્ડને મદદથી મળશે.
કેરેબિયન ખેલાડીઓ હાલમાં ટેસ્ટ ક્રિકેટના બદલે વૈશ્વિક ટી-20 લીગને વધારે પ્રાથમિકતા આપી રહ્યા છે. આ વિશેષ ફંડની રચના થયા પછી તમામ ખેલાડીઓને ઓછામાં ઓછા દસ હજાર ડોલર મળશે. આ ઉપરાંત ટેસ્ટ શ્રેણી માટે વિદેશ પ્રવાસમાં નાણાકિય મુશ્કેલી નડતી હોય તેવા કેટલાક ક્રિકેટ બોર્ડને પણ ફાયદો થશે. ઓસ્ટ્રેલિયન બોર્ડના પ્રમુખ માઇક બેયર્ડે આ પ્રસ્તાવ જાન્યુઆરીમાં મૂક્યો હતો અને તેમની યોજના આગળ વધી રહી હોવાનો તેમને આનંદ થયો છે. તેમણે જણાવ્યું હતું કે અમે પ્રત્યેક અંતરાય દૂર કરીને ટેસ્ટ ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠતા માટે વિવિધ ક્રિકેટ બોર્ડને પ્રોત્સાહિત કરવાની જરૂર સમજીએ છીએ. અમારે ટેસ્ટ ક્રિકેટનો વારસો તથા તેનો ભવ્ય ઇતિહાસ જાળવી રાખવો છે.

LEAVE A REPLY