પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આગામી વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજવા માટે સર્વસંમતિ પર પહોંચી છે. તેનાથી ભારતને તેના હિસ્સાની મેચો દુબઇમાં રમવાની મંજૂરી મળી છે. ICCના ટોચના સૂત્રે જણાવ્યું હતું કે આઇસીસીના નવા પ્રમુખ જય શાહ અને પાકિસ્તાન સહિત બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વચ્ચે દુબઇમાં હેડક્વાર્ટરમાં યોજાયેલી અનૌપચારિક બેઠક દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

તમામ પક્ષો સૈદ્ધાંતિક રીતે સંમત થયા છે કે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી UAE અને પાકિસ્તાનમાં સંયુક્ત રીતે યોજાશે અને ભારત તેની મેચો દુબઈમાં રમશે અને પાકિસ્તાન જશે નહીં.

ચેમ્પિયન્સ ટ્રોફી આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાવાની છે. ભારતે પાકિસ્તાનમાં જઇને રમવાનો ઇનકાર કર્યા પછી વિવાદ ઊભો થયો હતો. પાકિસ્તાને શરૂઆતમાં બહિષ્કારની ધમકી આપી હતી, પરંતુ પછી હાઇબ્રિડ મોડલ માટે સંમતિ આપી હતી. જોકે પાકિસ્તાને 2031 સુધી આવી વ્યવસ્થા કરવાની માગણી કરી હતી. જોકે આઇસીસી 2027 સુધી હાઇબ્રિડ મોડલ અપનાવવા માટે સંમત થઈ હતી.આ સમયગાળા દરમિયાન, ભારત આ વર્ષે ઓક્ટોબરમાં મહિલા ODI વર્લ્ડ કપ અને શ્રીલંકા સાથે સંયુક્ત રીતે 2026 પુરુષોના T20 વર્લ્ડ કપની યજમાની કરશે.

ભારતીય વિદેશ મંત્રાલયે બીસીસીઆઈના વલણને વળગી રહેતા જણાવ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમ સુરક્ષાના કારણોસર પાકિસ્તાન પ્રવાસ ખેડી શકશે નહીં. બીસીસીઆઈએ પણ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં ભારતીય ટીમ પર સુરક્ષાનું જોખમ છે અને તે જ કારણથી ભારત પાક.માં રમવા નહીં જઈ શકે.

જો પાકિસ્તાનમાં ટુર્નામેન્ટનું આયોજન ટળે છે તો પીસીબી ગેટ રેવન્યુ ઉપરાંત 60 લાખ યુએસ ડોલરની હોસ્ટિંગ ફી પણ ગુમાવે તેવી શક્યતા હતી.. ચેમ્પિયન્સ ટ્રોફી માટે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચની વિન્ડો જ ઉપલબ્ધ છે અને ત્યારબાદ તમામ ભાગ લેનાર દેશો દ્વિપક્ષીય સિરીઝમાં વ્યસ્ત રહેશે.

 

LEAVE A REPLY