Aftermath of Hurricane Helene in Steinhatchee, Florida

અમેરિકામાં વાવાઝોડા ‘હેલેન’એ ભારે તારાજી સર્જી હતી. ફ્લોરિડાના કિનારે કલાકના 225 કિલોમીટરની ઝડપે ફુંકાતા પવનથી ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાયો હતો અને વ્યાપક નુકસાન થયું હતું. હરિકેનને કારણે ઓછામાં ઓછા 100 લોકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું છે.

આ વાવાઝોડું શુક્રવારે સવારે તે જ્યોર્જિયા તરફ આગળ વધ્યું હતું અને તેના કારણે એક કરોડથી વધુ લોકોને અસર થઇ હતી. વાવાઝોડું જ્યોર્જિયામાંથી પસાર થયું હતું અને તેના લીધે દક્ષિણ પૂર્વના વિસ્તારમાં ભારે પૂર આવ્યું હતું. લાખો લોકો વીજળીની સુવિધાથી વંચિત રહ્યા હતા. ફ્લોરિડા, જ્યોર્જિયા, સાઉથ કેરોલિના અને નોર્થ કેરોલિનામાં ઓછામાં ઓછા આઠ લોકોના હરિકેનના કારણે મોત થયા હતા. શુક્રવારે સવારે ફ્લોરિડાથી કેરોલિના અને વર્જિનિયા સુધી 50 લાખ ઘરો અને વેપારી સંસ્થાનોએ વીજળીથી વંચિત રહેવું પડ્યું હતું. નેશનલ હરિકેન સેન્ટરના ડેટા મુજબ હેલેન વાવાઝોડું અમેરિકાના કોઇ પણ ભાગમાં આવેલું ૧૪મું અને ફ્લોરિડાનું સાતમું સૌથી શક્તિશાળી હરિકેન છે.

હેલેન ગુરુવારે સાંજે ફ્લોરિડાના પેરી નજીક ત્રાટક્યું ત્યારે પવનની ઝડપ કલાકના 140 માઇલની હતી. આ સાથે 1851 પછી ફ્લોરિડાના ‘બિગ બેન્ડ રિજન’માં આવેલું તે પ્રથમ ‘કેટેગરી 4’નું તોફાન નોંધાયું હતું. શુક્રવારે નેશનલ હરિકેન સેન્ટરે જણાવ્યું હતું કે, “હેલેનમાં પવનની ઝડપ સતત કલાકના 60 માઇલની રહી છે.” કલાકના ૩૦ માઇલની ઝડપે આગળ વધતા તોફાનનું સ્થાન સૌપ્રથમ સાઉથ કેરોલિનામાં જણાયું હતું, જે એટલાન્ટાના પૂર્વ-ઉત્તર પૂર્વથી 80 માઇલ દૂર હતું. કિનારાના વિસ્તાર સ્ટેનહેચીમાં હરિકેનને પગલે દરિયાના મોજા ઘણા ઊંચા ઉછળ્યા હતા. તે કિનારાની દિવાલને વટાવી ગયા હતા અને 8-10 ફૂટની ઊંચાઇએ પહોંચ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, અમેરિકામાં વર્ષના ચોક્કસ ગાળામાં હરિકેનની સીઝન હોય છે. એ સમયે દેશના ઘણા ભાગોમાં આવા તોફાનથી ભારે તારાજી સર્જાય છે.

 

LEAVE A REPLY