અમેરિકામાં શુક્રવારે ઊભી થયેલી સ્ટોર્મ સિસ્ટમને કારણે આવેલા વિનાશક વાવાઝોડા અને ડસ્ટ સ્ટોર્મથી ઓછામાં ઓછા 32 લોકોના મોત થયાં હતાં અને ભારે વિનાશ સર્જાયો હતો. વાવાઝોડાને કારણે અમેરિકામાં 100 મિલિયનથી વધુ લોકો પ્રભાવિત થવાની આગાહી વ્યક્ત કરાઈ હતી. ઘાતક પવનોને કારણે સંખ્યાબંધ ટોર્નેડો ત્રાટક્યા હતાં. કેટલાંક જંગલોમાં આગ પણ લાગી હતી.
મિસૌરી, અર્કાન્સાસ, ટેક્સાસ અને ઓક્લાહોમા સૌથી વધુ નુકસાન થયું હતું. મિઝોરીમાં સૌથી વધુ ઓછામાં ઓછા 12 લોકો મોત થયાં હતા.શુક્રવારે કેન્સાસમાં હાઇવે પર ૫૦થી વધુ વાહનો અથડાયા બાદ આઠ લોકોના મોત થયા હતાં. શનિવારના અંતથી હવામાન વધુ તીવ્ર બનવાની ધારણા હોવાથી અર્કાન્સાસ અને જ્યોર્જિયા બંનેના ગવર્નરે ઇમર્જન્સી જાહેર કરી હતી.
મિસૌરી સહિતના પાંચ રાજ્યમાં કલાકના આશરે 80 કિ.મીની ઝડપે ત્રાટકેલાં વિનાશક વાવાઝોડા અનેક લોકો ઘાયલ થયાં હતાં. વાવાઝોડું એટલું શક્તિશાળી હતું કે, તેમાં અનેક ગાડીઓ પલ્ટી ખાઈ ગઈ હતી અને અનેક ઘરો તૂટી ગયાં હતાં. વાવાઝોડાંના કારણે ઈલિનોઈસ, ઈન્ડિયાના, ટેક્સાસ સહિતના રાજ્યોમાં આશરે ત્રણ લાખથી વધુ સ્થળો પર વીજળી ગૂલ થઈ હતી.
વાવાઝોડાંને પગલે અનેક માર્ગો પર કાટમાળ વિખરાઈ જવા પામ્યો હતો. 100થી વધુ ઘરો જમીનદોસ્ત થઈ જતાં અનેક લોકો ઘરવિહોણા બની ગયા હતાં. અર્કાન્સાસના ગવર્નર સારાહ સેન્ડર્સે જણાવ્યું હતું કે, આ ભયાનક વાવાઝોડાને લીધે થયેલાં નુકસાનનો અમે સરવે કરી રહ્યાં છીએ. લોકોને જરૂરી મદદ પહોંચાડવા માટે રાહત અને બચાવ ટીમો કામ કરી રહી છે.
