ગુજરાતમાં મંગળવાર સુધી વરસાદના રેડ અને યલો એલર્ટ વચ્ચે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શનિવાર અને રવિવાર (24-25 ઓગસ્ટ)એ મૂશળધાર વરસાદને પગલે સેંકડો લોકોનું સ્થળાંતર કરાયું હતું. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદના કારણે કેટલાક અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. છેલ્લા 48 કલાકમાં અવિરત વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સામાન્ય જીવન અને ટ્રાફિકની અવરજવર ખોરવાઈ ગઈ હતી. રાજકોટમાં ભારે વરસાદને કારણે લોકમેળો ધોવાઈ ગયો હતો.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા મુજબ, વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રવિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં 326 મિલીમીટર (આશરે 13 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જે રાજ્યમાં સૌથી વધુ હતો. નવસારીના ખેરગામમાં સવારે 6 વાગ્યાથી 248 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સુરત, તાપી અને નર્મદા જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદને કારણે ભારે અસર થઈ હતી. વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 600થી વધુ લોકોને ભારે વરસાદને કારણે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા
નવસારીના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (ડિઝાસ્ટર) એ.એમ. ગામીતે જણાવ્યું હતું કે, “બીલીમોરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવતાં કુલ 17 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર પૂર્ણા અને કાવેરી નદીઓના વધતા જળ સ્તરો પર પણ નજર રાખી રહ્યું છે.”
શનિવારે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ગામડાઓને જોડતા રાજ્ય ધોરીમાર્ગો અને રસ્તાઓ બ્લોક થયા હતાં.બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં શનિવારે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં 112 મીમી વરસાદ નોંધાયો હતો. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં (102 મીમી) અને અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં (101 મીમી) વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં શનિવારે સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં 205 મિમી વરસાદ નોંધાયો હતો.
અમદાવાદ શહેરમાં પણ વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. છ રાજ્ય ધોરીમાર્ગો અને 36 પંચાયત રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા
રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે કલેક્ટર્સ સાથે વાતચીત કરી હતી અને તેમને સમયસર સ્થળાંતર કરવા તેમજ પશુધનની સલામતી સુનિશ્ચિત કરવા સહિત લોકોને રાહત આપવા તમામ પગલાં લેવા જણાવ્યું હતું. મુખ્યપ્રધાને કહ્યું હતું કે સ્ટેટ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સિસ (SDRF અને NDRF) ટીમો તૈનાત કરાઈ હતી.
રાજકોટમાં બારેમેઘ ખાગાં જેવી પરિસ્થિતિ થઈ હતી બપોર પછી વરસાદે રાજકોટને જાણે બાનમાં લીધુ હોય તેમ મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર કરી દીધા હતા. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને લોકોના સાતમ-આઠમના તહેવારોની મજા બગાડી હતી. શહેરમાં સવારથી બપોરના એક વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લામાં મંગળવાર (25 ઓગસ્ટ) સુધી ‘અત્યંત ભારે’થી ‘ભારે વરસાદની’ આગાહી કરી હતી. IMDએ મંગળવારે આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ‘અત્યંત ભારે’ વરસાદ સાથે ‘ભારેથી અતિ ભારે’ વરસાદની આગાહી પણ કરી હતી.