બોલીવૂડની યુવા અભિનેત્રી હુમા કુરેશીએ ઇન્ડસ્ટ્રીમાં તેનું સ્થાન મક્કમ રીતે જમાવ્યું છે. તે હવે લેખિકા પણ બની ગઇ છે. તેણે થોડા સમય અગાઉ શારજહામાં એક ઇન્ટરનેશનલ બૂક ફેરમાં પોતાની પ્રથમ સુપરવુમન કેરેક્ટર પર આધારિત એક નવલકથા ‘ઝેબા –ધ એક્સિડેન્ટલ સુપરહિરો’ લોંચ કરી હતી. ઝેબા એક 30 વર્ષની આસપાસની ઉમરની છોકરી છે, જેને દુનિયાને બચાવવાનું કામ સોંપવામાં આવ્યું છે.
આ નવલકથા વિશે વાત કરતાં હુમાએ જણાવ્યું હતું કે, “મને હંમેશા જે લોકો પર્ફેક્ટ નથી તેમ છતાં મહાન કામો કરતા હોય, તેમણે ખૂબ આકર્ષી છે. ઝેબાની પણ નબળાઈઓ છે, તે પણ મુશ્કેલીમાં મુંઝાઈ જાય છે. આ પ્રકારની વાર્તાઓ આપણને એવું માનવા પ્રેરણા આપે છે કે આપણી અંદર પણ એક હીરો છુપાયેલો છે. તેથી આ પાત્ર સાથે આપણે આપણી જાતને જોડી શકીએ છીએ.”
આ નવલકથાના પાત્રો વિશે હુમા કહે છે, “મને લાગે છે કે બધા જ પાત્ર હું જ છું. આ બુકની ખાસિયત એ છે કે તેનું દરેક પ્રકરણ પ્રથમ પુરુષમાં લખાયેલું છે અને દરેક પ્રકરણનું અલગ પાત્ર છે, જે પુસ્તકને આગળ લઈ જાય છે. જેમકે, એક પ્રકરણ ઝેબા અને તેના અંદરના અવાજ પર હોય તો બીજું પ્રકરણ તેના માતા કે પિતા હોઈ શકે છે. આ પ્રક્રિયા અને એક એક્ટર તરીકે આ પ્રકારનું વર્ણન મારા માટે બહુ રસપ્રદ હતું.”
આ નવલકથા લખવાની પ્રક્રિયા વિશે હુમાએ જણાવ્યું હતું, “ઝેબાનો જન્મ કોવિડના સમયે થયો હતો. હું એવી વ્યક્તિ છું જેને હંમેશા કામ કરતાં રહેવું અને એક પછી એક કામનું આયોજન કરતાં રહેવું ગમે છે. તેથી જ્યારે પેન્ડેમિક આવ્યું અને મારી પાસે બહુ સમય હતો, ત્યારે અંદરથી આ બધું બહાર આવવા લાગ્યું હતું.”
ઝેબાના પાત્ર વિશે હુમાએ કહ્યું, “આપણે નાના હોય ત્યારે દરેકને એવું લાગે છે કે કાશ હું મોટી હોત તો મારી પાસે દરેક સમસ્યાનું સમાધાન હોત. કારણ કે ત્યારે આપણને મોટા લોકો બહુ હોંશિયાર લાગતા હોય છે. પરંતુ મને લાગે છે કે મહિલાઓ અને ખાસ કરીને મુસ્લિમ મહિલાઓ વિશે સિનેમા કે ઘણા માધ્યમોમાં તેમને ચોક્કસ રીતે દર્શાવવામાં આવે છે. એ સાચું નથી. હું એક મુસ્લિમ મહિલા છું. હું એ ચોક્કસ બીબામાં નથી આવતી. આ જ વિચારે મારા મનમાંથી ઝેબાનો જન્મ થયો. પહેલા મને જે વિચાર આવ્યા તે લખવાના શરૂ કર્યા. મારા કેટલાંક મિત્રોએ મને સાચી દિશામાં ધકેલવાનું કામ કર્યું. બે વર્ષના અંતે આ પુસ્તકે આકાર લીધો.”