મધ્યપૂર્વના દેશોના યુદ્ધના ભણકારા, અમેરિકામાં અતિશય નબળા આર્થિક ડેટાથી મંદીનો ભય અને જાપાનમાં વ્યાજદરમાં વધારો સહિતના પરિબળોને પગલે સોમવાર, 5 ઓગસ્ટે વૈશ્વિક શેરબજારોમાં 13 ટકા સુધીનો પ્રચંડ કડાકો બોલાયો હતો. ભારતના શેરબજારમાં ઇન્ટ્રા-ડે 3.31 ટકાનો તીવ્ર ઘટાડો થયો હતો.
30 શેરો ધરાવતો BSE સેન્સેક્સ 2,222.55 પોઈન્ટ અથવા 2.74 ટકા ઘટીને 78,759.40ની એક મહિનાની નીચી સપાટીએ બંધ આવ્યો હતો, જે 4 જૂન, 2024 પછીનો સૌથી મોટો કડાકો હતો.NSEનો નિફ્ટી 662.10 પોઈન્ટ અથવા 2.68 ટકા ઘટીને 24,055.60ની એક મહિના કરતાં વધુની નીચી સપાટીએ બંધ આવ્યો હતો. બજારના કડાકામાં રોકાણકારોને રૂ.15 લાખ કરોડથી વધુનું નુકસાન થયું હતું.
એશિયન બજારોમાં, સિઓલ, ટોક્યો, શાંઘાઈ અને હોંગકોંગમાં ભારે ધોવાણ થયું હતું. જાપાનના શેરબજારોના બેન્ચમાર્ક ઇન્ડેક્સ 12.4 ટકા ગબડ્યો હતો, જે 1987 પછીનો સૌથી મોટો ઘટાડો હતો. યુરોપિયન બજારો પણ 2.6 ટકા સુધીનો ઘટાડો થયો હતો. બેંક ઓફ જાપાનના વ્યાજદરમાં વધારો કરતાં તેની વૈશ્વિક બજારો પર મોટી અસર થઈ હતી.