બોલીવૂડમાં જાણીતા અભિનેતા રિતિક રોશન હવે નવી કારકિર્દી શરૂ કરશે. તેણે દિગ્દર્શક તરીકે ફિલ્મમાં ઝંપલાવ્યું છે. ઘણા લાંબા સમયથી રિતિકની સુપર હિરો ફ્રેન્ચાઇઝીની ફિલ્મ ક્રિશનો ચોથો ભાગ આવશે કે નહીં આવે તેની અફવાઓ અને ચર્ચાઓ ચાલતી હતી. પણ હવે રાકેશ રોશને તેની અધિકૃત જાહેરાત કરી છે. રિતિક રોશન પોતે આ ફિલ્મને દિગ્દર્શન કરશે. આ ફિલ્મનો પ્રથમ ભાગ 2003માં આવ્યો હતો, ‘કોઈ મિલ ગયા’, જેનું દિગ્દર્શન રાકેશ રોશને કર્યું હતું.
હવે ‘ક્રિશ 4’નું દિગ્દર્શન રિતિક કરશે. અગાઉ રાકેશ રોશને કહ્યું હતું કે હવે તેઓ દિગ્દર્શન કરશે નહીં અને તેમની પાસે આટલું મોટું બજેટ નથી તેથી તે પ્રોડ્યુસ પણ કરી શકે તેમ નથી. હવે આદિત્ય ચોપરા તેમની મદદે આવ્યા છે. આદિત્ય ચોપરાનું યશરાજ પ્રોડક્શન અને રાકેશ રોશન સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે. રાકેશ રોશને આ બાબતે પોતાના એક્સ અકાઉન્ટ પર આ અંગે જાહેરાત કરીને લખ્યું હતું, “ડુગ્ગુ, 25 વર્ષ પહેલાં મેં તને એક્ટર તરીકે લોંચ કર્યો હતો અને આજે ફરી 25 વર્ષ પછી આપણી સૌથી મહત્વાકાંક્ષી ફિલ્મ ‘ક્રિશ 4’ માટે તું બે ફિલ્મ મેકર્સ, મારા અને આદિત્ય ચોપરા દ્વારા ડિરેક્ટર તરીકે લોંચ થવા જઈ રહ્યો છું. અમે તને નવા કામ માટે શુભેચ્છ અને આશીર્વાદ આપીએ છીએ.” આ પોસ્ટમાં રિતિકની ગર્લફ્રેન્ડ સબાએ પણ કમેન્ટ કરીને ખુશી વ્યક્ત કરી હતી. રિતિકની ક્રિશ 3 પણ 12 વર્ષ પહેલાં 2013માં રિલીઝ થઈ હતી. હવે રિતિક આ ફિલ્મ ડિરેક્ટ કરશે, તે વાતથી પણ તેના ચાહકો ખુશ થયા છે. કેટલાંકે તો એવી પણ આગાહી કરી છે કે આ ફિલ્મ ‘પુષ્પા 2’નો પણ રેકોર્ડ તોડશે. જોકે, હવે રિતિક ડિરેક્ટ કરશે તો આ ફિલ્મમાં ક્રિશ તરીકે રિતિક જ જોવા મળશે કે બીજું કોઈ તેનું સ્થાન લેશે, તે પણ એક પ્રશ્ન દર્શકોના મનમાં છે. 2026માં આ ફિલ્મનું કામ આગળ વધશે તેવી શક્યતા છે. આ પહેલાં રિતિક સાથે આ ફિલ્મની ફ્રેન્ચાઇઝીમાં પ્રિટી ઝિંટા, પ્રિયંકા ચોપરા અને કંગના રણૌત સહિતની હિરોઇન કામ કરી ચૂકી છે, હવે આ ફિલ્મમાં કઈ અભિનેત્રી સુપર વુમન બનશે તેની દર્શકોમાં ચર્ચા છે.
