(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

જોન અબ્રાહમની નવી ફિલ્મ ‘ધ ડિપ્લોમેટ’ અત્યારે ચર્ચામાં છે. એક મીડિયા ઇન્ટરવ્યૂમાં અબ્રાહમે પોતાના બાળપણની યાદોને વાગોળી હતી. બહુ ઓછા લોકો જાણે છે કે જોન અને રિતિક એક જ સ્કૂલમાં સાથે અભ્યાસ હતા. તેઓ બોમ્બે સ્કોટિશ સ્કૂલમાં સાથે હતા. જોને એવું પણ કહ્યું કે ‘રિતિક પહેલાંથી જ સારો ડાન્સર હતો. રિતિક આપણા શ્રેષ્ઠ ડાન્સરોમાં સ્થાન ધરાવે છે, એ સ્કૂલમાં પણ ખૂબ જ સારો બ્રેકડાન્સ કરતો હતો. અમારી સ્કૂલમાં એક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો એક પીરિયડ આવતો, અમે બધાં જ એમાં બસ રિતિકને ડાન્સ કરતો જાયાં કરતાં, તે એવો અદ્દભુત ડાન્સર છે.’

આ સાથે પોતાના અને રિતિકના રૂચિના અલગ વિષયો અંગે પણ મજાક કરતા જોને કહ્યું,“હું ગ્રાઉન્ડ પર ફૂટબોલ રમીને શ્યામ થઈ જતો હતો અને એ સુંદર ડાન્સ કરીને બધાને મજા કરાવતો હતો.” જોન અને રિતિક બંનેએ બોલીવૂડમાં કારકિર્દી શરૂ કરીને પોતાનું અલગ સ્થાન બનાવ્યું. રિતિકે 2000માં કહોના પ્યાર હે સાથે પદાર્પણ કર્યું, તેનાથી તે રાતોરાત સુપરસ્ટાર બની ગયો હતો. અભિનય પહેલાં તેણે તેના પિતા સાથે આસિસ્ટન્ટ તરીકે પણ કામ કર્યું.

જ્યારે બીજી તરફ જોન અબ્રાહમે 2003માં જિસ્મ ફિલ્મથી કારકિર્દી શરૂ કરી હતી. પછી તેણે ધૂમ અને મદ્રાસ કાફે જેવી ફિલ્મમાં કામ કરીને એક્શન હીરો તરીકે પોતાની ઇમેજ બનાવી હતી. પછી ધૂમ 2માં રિતિકે પણ વિલનનો રોલ કર્યો, પરંતુ બંનેએ આજ સુધી કોઈ ફિલ્મમાં સાથે કામ કર્યું નથી. જોને એવો પણ ઉલ્લેખ કર્યો હતો, કે તેનું ધૂમનું પાત્ર જિમ અને રિતિકનું પાત્ર કબીર જો એકસાથે આવે તો કેવી ફિલ્મ બને. આ ઉપરાંત બંને યશરાજના સ્પાય યુનિવર્સની ફિલ્મમાં પણ કામ કરી ચૂક્યા છે. જોનની ડિપ્લોમેટ 14 માર્ચે રિલીઝ થઈ હતી અને તેણે પ્રથમ અઠવાડિયે રૂ. 19.1 કરોડનો બિઝનેસ કર્યો હતો. જ્યારે રિતિક અત્યારે વોર 2ના નિર્માણમાં વ્યસ્ત છે.

LEAVE A REPLY