ચેન્નાઈમાં ફિલ્મ રિલીઝની ઉજવણી દરમિયાન ચાહકો ફિલ્મ 'ઇન્ડિયન 2'ના પોસ્ટર પર દૂધનો અભિષેક કરી રહ્યાં છે. (ANI Photo)
ફિલ્મ રસિકો અને અભિનેતા-અભિનેત્રીઓના ચાહકોમાં તેમના મળતા મહેનતાણા (ફી) વિશે જાણવામાં હંમેશા ઉત્સુકતા હોય છે. ફિલ્મોના નિર્માતા અને દિગ્દર્શક પણ એવું વિચારે છે કે, તેમની ફિલ્મમાં લોકપ્રિય કલાકારને લેવાથી તેમની ફિલ્મ સુપરહિટ જશે.
પરંતુ આવા દબદબા અને તેમની લોકપ્રિયતા ઉપરાંત તેમના અભિનય કૌશલ્ય માટે એક કલાકારને કેટલી ફી ચૂકવવી જોઇએ? તેવો એક પ્રશ્ન વર્ષોથી ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા લોકોને સતાવતો રહ્યો છે. આમ છતાં લોકપ્રિય કલાકારોનું મહેનતાણું દિવસેને દિવસે વધી રહ્યું છે. મોટાભાગના કલાકારો આજે મુખ્ય ભૂમિકા રૂ. 100 કરોડથી પણ વધારે ફી લેતા હોય છે. જો કેટલાક સૂત્રોનું માનીએ તો કમલ હાસને 10 મિનિટની એક નાની ભૂમિકા માટે આટલી અધધધધ….કહી શકાય તેટલી ફી લીધી છે અને તે દેશના સૌથી વધુ ફી લેતા અભિનેતા બની ગયા છે.
કહેવાય છે કે, શાહરૂખ ખાને પણ ગત વર્ષે ત્રણ ફિલ્મોમાંથી રૂ. 500 કરોડની કમાણી કરી છે. સાઉથના અન્ય સુપર સ્ટાર રજનીકાંતે ‘જેલર’ની સફળતામાંથી એક જ ફિલ્મમાંથી 250 કરોડની કમાણી કરી. પરંતુ કમલ હાસન ‘કલ્કિ 2898 એડી’માં 10 મિનિટના કેમિયો માટે 100 કરોડ લીધા હોવાનું કહેવાય છે. તે આ ફિલ્મમાં નેગેટિવ ભૂમિકામાં છે, ઉપરાંત તેનું પાત્ર ફિલ્મના બીજા ભાગમાં પણ જોવા મળશે. અન્ય સૂત્રો કહે છે કે, “પ્રભાસ અને કમલ હાસન બંનેને 100 કરોડ ચૂકવાયા છે. આ ફિલ્મમાં કમલ હસનનો રોલ દસ મિનિટનો જ છે, પરંતુ બની શકે તે બીજા ભાગમાં તેનો રોલ લાંબો હોય.”
જો આ સૂત્રોની વાત સાચી હોય તો કમલ હાસને કલ્કિમાં દસ મિનિટના કામ માટે દર મિનિટે 10 કરોડ લીધા કહેવાય. જોકે, 2023માં ટ્રેડ એનાલિસ્ટ મનોબાલા વિજયાબાલને સોશિયલ મીડિયામાં જણાવ્યું હતું કે, કમલ હાસને કલ્કિના તેના કેમિયો માટે 20 કરોડ લીધા છે, જ્યારે આ ફિલ્મ માટે પ્રભાસે 80 કરોડ ફી લીધી હતી. કમલે ફિલ્મના બંને ભાગ માટે કુલ 100 કરોડ ફી નક્કી કરી હોય તેવી શક્યતા પણ નકારી શકાય નહીં.
કમલ હાસન હવે કલ્કી પછી ‘ઇન્ડિયન 2’ની રિલીઝની તૈયારીમાં છે, આ સિક્વલ 28 વર્ષ પછી આવી રહી છે. આ ફિલ્મનું હિન્દી વર્ઝન ‘હિન્દુસ્તાની 2’ કહેવાશે. મુંબઈમાં તેના ટ્રેલરના લોંચિંગ વેળાએ કમલે સ્પષ્ટતા કરી હતી કે, તેઓ શરૂઆતમાં ‘ઇન્ડિયન’ કરવા ઇચ્છતા નહોતા. તેથી તેમણે પોતાની ફી પણ વધારીહતી જેથી શંકર પોતાની ઓફર પાછી ખેંચી લે. તેનાથી ઊલટું તેમણે જેટલી ફીની માગણી કરી હતી તે સ્વીકારી લીધી હતી.

LEAVE A REPLY