તમે પોતાને કેવી રીતે ઓળખો છો?
પ્ર: જો આપણે આપણી જાતને ઓળખવા ઇચ્છતા હોઈએ તો આગળ વધવાનો ઉપાય શું છે?
સદગુરુઃ
તમારા માટે આ બ્રહ્માંડમાં કંઈપણ જાણવાનું એકમાત્ર પ્રવેશદાર તમે પોતે જ છો. તમે જે કંઈપણ અનુભવો છો તે ફક્ત તમારી અંદર જ બની શકે છે. તેથી, અંદરની તરફ જોવું એ જ તેનો જવાબ છે. તમારી તમામ જ્ઞાનેન્દ્રિયો બાહ્ય રીતે બંધાયેલી છે. તમે તમારી આસપાસ શું છે તે જોઈ શકો છો, પરંતુ તમે તમારી આંખની કીકીને અંદરની તરફ ફેરવી શકતા નથી અને તમને પોતાને જોઇ શકતા નથી. તમારી આસપાસ શું થાય છે તે તમે સાંભળી શકો છો, પરંતુ તમારા શરીરમાં થઇ રહેલી પ્રચંડ પ્રવૃત્તિને તમે સાંભળી શકતા નથી. તે દરેક ઇન્દ્રિય સાથે સમાન છે, કારણ કે તે જરૂરીયાત મુજબ બાહ્ય રીતે બંધાયેલ છે. કુદરતે તમારી સંવેદનાને ખુલ્લી કરી છે, કારણ કે તે તમારા અસ્તિત્વ માટે જરૂરી છે.
આત્મમંથન કરવું એ બીજો દૃષ્ટિકોણ છે, જે દરેક માટે શક્ય છે. પરંતુ તે તમારા અસ્તિત્વના આયોજનનો ભાગ નથી, અને એ જ કારણે તે કુદરતી રીતે ખુલ્યું નથી. તમારે થોડો પ્રયાસ કરવો પડશે. જે કંઇ પણ તમારા અસ્તિત્વનો ભાગ નથી તે તમારી પાસે કુદરતી રીતે આવશે નહીં, તમારે પ્રયત્ન કરવો પડશે. ઉદાહરણ તરીકે, ધારો કે જ્યારે તમે નાના બાળક હતા ત્યારે તમે જંગલમાં ખોવાઈ ગયા હતા. જો તમારી સામે ખાદ્ય પદાર્થ આવે, તો તમને ખ્યાલ હશે કે તે ક્યાં જવું જોઈએ. અસ્તિત્વ ટકાવી રાખવાના તમામ પાસા તમારી પાસે સ્વાભાવિક રીતે આવ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે કેવી રીતે વાંચવું, લખવું અથવા બીજી ઘણી બધી વસ્તુઓ કરવી જે તમે અત્યારે કરી રહ્યા છો. આ વસ્તુઓ તમારી પાસે ચોક્કસ પ્રયત્નોથી જ આવી છે. શું તમને યાદ છે, જ્યારે તમે ત્રણ કે ચાર વર્ષના હતા ત્યારે તમારે “A” લખવો હોય તો તે કેટલું જટિલ કાર્ય હતું – અને તે બે પ્રકારના હતા! તે શિખવા માટે તમારે તેને 100 વાર લખવું પડ્યું હતું. આજે, તમે એ પ્રયત્નોને કારણે આંખ બંધ કરીને લખી શકો છો અને જેણે પ્રયત્ન જ નથી કર્યો તે આજે પણ લખી શકતા નથી.
એવી જ રીતે, આપણે આપણી જાતને ઓળખી નથી, કારણ કે એ માટે કોઈ પ્રયત્નો થયા નથી, અને સામાન્ય રીતે, છેલ્લી કેટલીક સદીઓથી સમાજમાં કોઈ એવું માર્ગદર્શન મળ્યું નથી. આપણે આપણું આખું જીવન અસ્તિત્વની પ્રક્રિયામાં ફેરવી દીધું છે. આપણે ફક્ત જીવિત રહેવાનું નથી વિચારતા, આપણે આપણી આસપાસના લોકો કરતા વધુ સારી રીતે જીવવા ઇચ્છીએ છીએ, આ વિચાર આપણને આખી જિંદગી તેમાં વ્યસ્ત રાખે છે.
પરંતુ જો તમે 30 કલાક સુધી કેન્દ્રિત સમય ફાળવવા તૈયાર છો, તો અમે તમને એક વાહન આપી શકીએ છીએ જે તમને તમારી અંદરનું અવલોકન કરાવશે. આ એક સરળ પ્રક્રિયા છે જેને શાંભવી મહામુદ્રા કહેવાય છે. તેને જુદા જુદા સ્વરૂપે કરી શકાય છે, પરંતુ વાહન બનાવવા માટે તમારે 30 કલાકના કેન્દ્રિત સમયની જરૂર છે, જેથી તમે સરળતાથી તમારા વિશે વિચારી શકો. જો તમે પોતાના માટે વિચારશો તો તમે જીવનની પ્રકૃતિને જાણી શકો છો.
એકવાર એવું બન્યું હતું કે, કોઈ વ્યકિત સાઉથ ઇન્ડિયાના ઈશા યોગા કેન્દ્રની શોધમાં આવ્યું હતું. તેઓ સ્થાનિક ગામના એક બાળકને મળ્યા અને તેને પૂછ્યું, “ઈશા યોગ કેન્દ્ર કેટલું દૂર છે?” તેણે કહ્યું, “24,996 માઇલ.” “શું! આટલું દૂર?” તેમણે કહ્યું, “તમે જે રીતે જઈ રહ્યા છો, જો તમે પાછા વળશો તો તે ચાર માઇલ છે. તે બધા પ્રશ્નો એટલા માટે જીવનના મોટા પ્રશ્નો લાગે છે, કારણ કે તમે બહાર જોઈ રહ્યા છો અને તેમને પૂછો છો. પોતાની અંદર જોશો તો આ પ્રશ્ન પણ નથી, અહીં જ છે.