3D rendered illustration of rising real estate prices

નેશનવાઇડ બિલ્ડિંગ સોસાયટીના માસિક ટ્રેકર મુજબ આ વર્ષના જાન્યુઆરી માસમાં પાછલા મહિના કરતાં યુકેમાં મકાનોના ભાવમાં 0.1%નો વધારો થયો છે પરંતુ યુકેના પ્રોપર્ટી માર્કેટમાં “નરમ” થવાના સંકેતો દેખાતા મકાનોના ભાવનો વાર્ષિક દર ધીમો પડીને 4.1% થયો છે.  જે ડિસેમ્બરમાં 4.7% હતો.

જાન્યુઆરીમાં સતત પાંચમા મહિને મકાનોના ભાવ વધ્યા હતા. જાન્યુઆરીમાં યુકેના સરેરાશ ઘરની કિંમત £268,213 રહી હતી, જે ડિસેમ્બરમાં નોંધાયેલા 0.7% માસિક વધારા અને નવેમ્બરમાં નોંધાયેલા 1.2% વધારા કરતાં ઓછી છે.

એસ્ટેટ એજન્સી ફોક્સટન્સે જણાવ્યું હતું કે ‘’રાજધાની લંડનમાં મકાનોનું વેચાણ લગભગ એક દાયકામાં તેના ઉચ્ચતમ સ્તરે છે, અને તે પ્રથમ ક્વાર્ટરમાં મજબૂત રહેવાની અપેક્ષા છે.’’

તો આ મહિનાની શરૂઆતમાં, નેશનવાઈડે જણાવ્યું હતું કે તેને વેચાણમાં ધસારો થવાની અપેક્ષા છે અને મકાન ખરીદનારાઓ 31 માર્ચથી ઈંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં સ્ટેમ્પ ડ્યુટીમાં સરકારના ફેરફારો અમલમાં આવશે ત્યારે વધારાનો કર ચૂકવવાનું ટાળવા માટે મકાનની ખરીદીને આગળ વધારવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ક્વિલ્ટરના મોર્ટગેજ નિષ્ણાત કરેન નોયેએ જણાવ્યું હતું કે “તાજેતરના અઠવાડિયામાં, ઘણા પ્રથમ વખત ખરીદનારા લોકો એપ્રિલ માસમાં સ્ટેમ્પ ડ્યુટી નિયમોમાં ફેરફાર થાય તે પહેલાં તેમની મિલકતનું વેચાણ મોટરિંગ કરાવવા માટે ઝઝૂમી રહ્યા છે. લોકો ઊંચા કર ટાળવાની આશામાં સોદા કરી રહ્યા છે.’’

અહેવાલ મુજબ યુકેમાં સરેરાશ આવક મેળવનાર અને 20% ડિપોઝિટ સાથે પહેલી વાર મિલકત ખરીદનાર વ્યક્તિની માસિક મોરગેજ ચુકવણીની રકમ તેમના ટેક-હોમ પગારના 36% જેટલી હશે. જે 30%ની ઐતિહાસિક સરેરાશ કરતા ઘણી વધારે છે.

ફુગાવાનો દર ડિસેમ્બરમાં ઘટીને 2.5% થઈ ગયો હતો પરંતુ હજુ પણ તે બેંક ઓફ ઈંગ્લેન્ડના 2%ના લક્ષ્યાંકથી ઉપર છે.

LEAVE A REPLY