વકફ સુધારા ધારાના વિરોધમાં પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં બે દિવસની હિંસામાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયાં હતાં અને અનેક ઘાયલ થયા હતાં. મુસ્લિમોના ટોળાએ અનેક વિસ્તારોમાં આતંક મચાવ્યો હતો અને તેના સેંકડો હિન્દુઓઓ ભયના માર્યા પલાયન ચાલુ કર્યું હતું. કોલકાતાની હાઇકોર્ટે હિંસાગ્રસ્ત વિસ્તારોમાં કેન્દ્રીય દળો તૈનાત કરવાના આદેશ આપ્યાં હતાં. ટોળાએ હિન્દુ પિતા-પુત્રને ઘરમાંથી બહાર કાઢીને તેમની નિર્મમ હત્યા કરી હતી. હાલમાં રાજ્યમાં મુખ્યપ્રધાન મમતા બેનર્જીનું શાસન છે અને ભાજપ તેમના પર મુસ્લિમ તૃષ્ટીકરણનો આક્ષેપ કરી રહ્યો છે.
સ્થાનિક વહીવટીતંત્રે પાલયન કરી રહેલા હિન્દુ પરિવારો માટે રહેવા અને ભોજનની વ્યવસ્થા કરી હતી અને તેમને શાળાઓમાં આશ્રય આપ્યો હતો. બોટમાં આવતા લોકોને મદદ કરવા માટે નદી કિનારે સ્વયંસેવકો તૈનાત કર્યા હતાં. મુસ્લિમ બહુમતી ધરાવતા મુર્શિદાબાદના સુતી, ધુલિયાન, જાંગીપુર અને શમશેરગંજ સહિતના એક વિસ્તારોમાં મુસ્લિમોએ હિંસક તોફાનો કર્યો હતો. દુકાનો, હોટલો અને ઘરોને આગ ચાંપી દીધી હતી અને ભારે લૂંટફાટ કરી હતી.
પરિવારના ચાર અન્ય સભ્યો સાથે આ વિસ્તારમાંથી હિજરત કરનારી એક યુવતીએ પત્રકારોને જણાવ્યું કે અમે ધુલિયાનના મંદિરપરા વિસ્તારમાંથી ભાગી આવ્યાં હતાં, કારણ કે અમારા ઘરોને આગ લગાવી દેવામાં આવી હતી અને બહારના લોકો અને કેટલાક સ્થાનિક લોકોના ટોળા દ્વારા મહિલાઓ અને છોકરીઓ સાથે ખરાબ વર્તન કરાયું હતું. તેઓએ બોમ્બ ફેંક્યા, વકફ (સુધારા) કાયદા માટે અમારા પર આરોપ લગાવ્યો અને અમને તાત્કાલિક અમારા ઘર છોડવાનું કહ્યું હતું. તેમણે અમારા ઘરના પુરુષોને માર માર્યો હતો અને અમે ડરી ગયા હતાં.
બીજી એક વૃદ્ધ મહિલાએ કહ્યું હતું કે અમે કોઈ ખોટું કામ ન કર્યું હોવા છતાં લૂંટફાટ કરતાં લોકો સામે હાથ જોડીને માફી માંગી હતી. હથિયારો લહેરાવીને, હુમલાખોરોએ ખૂબ જ અત્યાચાર કર્યા હતાં. હું, મારો દીકરો, પુત્રવધૂ અને પૌત્ર અમારા કેટલાક સંબંધીઓ સામાન લઈને ભાગી આવ્યા હતાં.
રાજ્ય વિધાનસભામાં વિપક્ષના નેતા સુવેન્દુ અધિકારીએ દાવો કર્યો હતો કે હિંસા બાદ ધુલિયાનથી 400 લોકોએ પલાયન કરવું પડ્યું છે. ધાર્મિક કટ્ટરપંથીઓના ડરથી મુર્શિદાબાદના ધુલિયાનથી 400થી વધુ હિન્દુઓને નદી પાર કરીને માલદામાં આશ્રય લેવાની ફરજ પડી હતી. બંગાળમાં ધાર્મિક અત્યાચાર વાસ્તવિક છે. ટીએમસીના તુષ્ટિકરણના રાજકારણે કટ્ટરપંથી તત્વોને પ્રોત્સાહન આપ્યું છે. હિન્દુઓનો શિકાર થઈ રહ્યો છે, આપણા લોકો પોતાની ભૂમિમાં જીવ બચાવવા માટે ભાગી રહ્યા છે.
માલદામાં એક સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે શનિવારથી અત્યાર સુધીમાં ધુલિયાન, સુતી અને જાંગીપુર જેવા વિસ્તારોમાંથી રમખાણગ્રસ્ત લોકોને લઈ જતી લગભગ 40-50 હોડીઓ આવી છે અને કાલિયાચક 3 બ્લોકના પલ્લારપુર ગામમાં જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
