ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગુરુવાર, શુક્રવારે હોળી અને ધૂળેટીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. ગુજરાતમાં દ્વારકા અને ડાકોર સહિતના તમામ કૃષ્ણ મંદિરોમાં હોળીની ઉજવણી કરાઈ હતી અને મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર આવ્યું હતું. હોળીના તહેવારોમાં ભગવાનના દર્શનનો અનેરો મહિમા છે. એકબીજાને રંગ અને ગુલાલથી રંગીને શુભેચ્છાઓ પાઠવી હતી. ઠેરઠેર હોલિકાદહન થયું હતું. હોળી પ્રગટતા જ લોકોએ પાણી,પૂજન સામગ્રી અને ઘાણી-ચણા-ખજૂર -નારિયળ લઈને પૂજા કરી હતી. હોળીકાની આસપાસ પાણી ફેરવી તેની પ્રદક્ષિણા કરાઈ હતી.
યાત્રાધામ દ્વારકામાં હોળી ફુલડોલ ઉત્સવ પર્વ પર ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં હતા. દ્વારકાધીશ મંદિરમાં ભક્તોએ દ્વારકાધીશના દર્શન કરી અબીલ-ગુલાલ લગાવી રંગોત્સવ મનાવ્યો હતો. ભગવાન કૃષ્ણના જય દ્વારકાધીશના નાદ સાથે મંદિરોમાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી હતી.
બીજી તરફ યાત્રાધામ ડાકોર મંદિરમાં હોળીની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ હતી. હોળીના દિવસે ડાકોરના ઠાકોરના દ્વાર ખૂલતાં જ ભકતોએ દર્શન માટે દોટ લગાવી હતી. આ પૂર્વે લાખો ભક્તોએ મંગળા આરતીનો લાભ લીધો હતો. આ ઉપરાંત ડાકોરમાં ડાકોર પગપાળા દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ પણ મંદિરના દર્શન માટે પહોંચ્યો હતાં.
રાજ્યના અનેક કૃષ્ણ મંદિરોમા પણ હોળીની ઉજવણી કરાઈ હતી. અમદાવાદ અને ભાડજના ઇસ્કોન મંદિરમા પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. અનેક મંદિરોમાં મંગળા આરતી અને ભોગના દર્શન બાદ ફૂલડોલ ઉત્સવનું આયોજન કરાયું હતું.
ફાગણી પૂનમે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રાજા રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા હોય છે. પ્રતિવર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચતા હોય ત્યારે હોળી પર્વને લઈને ડાકોર જતાં માર્ગો પર આકરી ગરમીમાં પણ પગપાળા ભક્તોનો પ્રવાહ લાખોની સંખ્યામાં ઊમટ્યો હતો.
