ભારતભરમાં શુક્રવારે હોળીની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. લોકોએ એકબીજાને ગુલાલ લગાવીને શુભેચ્છા પાઠવી હતી. ઘરો અને શેરીઓ રંગબેરંગી બની હતી.તહેવાર રંગબેરંગી પાણી ભરેલા ફુગ્ગાઓ, ‘ગુલાલ’ અને મીઠાઈઓ સાથે ઉજવવામાં આવ્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે હોળીની પૂર્વ સંધ્યાએ લોકોને હોળીની શુભેચ્છા પાઠવી હતી, અને આ તહેવાર નાગરિકોમાં એકતાના રંગને વધુ ગાઢ બનાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ હોળીની પૂર્વ સંધ્યાએ શુભેચ્છા પાઠવી હતીઅને કહ્યું હતું કે રંગોનો તહેવાર એકતા અને ભાઈચારાની ભાવનાને પોષે છે અને વિવિધતામાં એકતાના મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે.
હોળીની ઉજવણી સાથે રમઝાન મહિનાના શુક્રવારની નમાઝ પણ હોવાથી કોઇ કોમી તંગદિલ ન ફેલાય તે માટે ઘણા રાજ્યોમાં સુરક્ષાનો ચાંપતો બંદાબસ્ત કરાયો હતો. દિલ્હીમાં, 25,000 થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસે CCTV કેમેરા અને ડ્રોન દ્વારા લગભગ 300 સંવેદનશીલ વિસ્તારોની સઘન દેખરેખ રાખી હતી.
ઉત્તરપ્રદેશના સંભલમાં કડક સુરક્ષા વચ્ચે ઉજવણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ થઈ હતી. અહીં 24 નવેમ્બરના રોજ મુઘલ યુગની શાહી જામા મસ્જિદના સર્વેક્ષણ બાદ થયેલા રમખાણો પછી તંગદિલીની શક્યતા હતી. હોળીના દિવસે સંભલ શહેરમાં પરંપરાગત ‘ચૌપાઈ કા જુલૂસ’ પણ કાઢવામાં આવ્યું હતું. શુક્રવારે બપોરે 2:30 વાગ્યે મસ્જિદમાં નમાઝ અદા કરવામાં આવી હતી.પોલીસ અને જિલ્લા વહીવટીતંત્રે ત્રિ-સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરી હતી. રેપિડ એક્શન ફોર્સ (RAF) બટાલિયનોએ શહેરમાં ફ્લેગ માર્ચ કરી હતી.
રાજકીય નેતાઓએ પણ પક્ષપાતને ભૂલીને લોકોને શુભેચ્છા પાઠવી હતી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે હોળીને “એકતાના સંદેશવાહક” તરીકે વર્ણવી હતી.ગોરખપુરમાં પરંપરાગત નરસિંહ શોભાયાત્રાને સંબોધતા, તેમણે કહ્યું કે કોઈ પણ દેશ અને ધર્મમાં સનાતન ધર્મ જેટલી સમૃદ્ધ તહેવારોની પરંપરા નથી અને ભારત તહેવારો દ્વારા આગળ વધ્યું છે.ગોરક્ષપીઠધીશ્વર આદિત્યનાથે ગોરખનાથ મંદિરમાં હોળીની ઉજવણી શરૂ કરી. તેમણે મંદિરના મેળા ભૂમિની મુલાકાત લીધી હતી, જ્યાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. તેમણે ‘ભસ્મ’ની પૂજા કરી અને ‘આરતી’ કરી હતી. તેમણે શ્રીનાથજી મંદિરની મુલાકાત લીધી હતી અને દેવતાને રાખ અર્પણ કરી હતી.
પશ્ચિમ બંગાળમાં લોકોએ દોલજાત્રાની ઉજવણી કરી હતી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ નાગરિકો વચ્ચે પ્રેમનું બંધન વધુ મજબૂત બને તે માટે પ્રાર્થના કરી હતી.
