HM રેવન્યુ અને કસ્ટમ્સ (HMRC) દ્વારા જે લોકો 2023/24 ટેક્સ યરમાં £50,000થી વધુ કમાણી કરતા હોય અને તેઓ કે તેમના જીવનસાથી ચાઇલ્ડ બેનીફીટનો દાવો કરતા હોય તો તેમણે પોતાનું સેલ્ફ એસેસમેન્ટ ટેક્સ રીટર્ન તારીખ ૩૧ જાન્યુઆરીની મધ્યરાત્રિ સુધીમાં કરી દેવા ચેતવણી આપવામાં આવી છે. અન્યથા તેમને દંડ થઈ શકે છે.
આને ઉચ્ચ આવક ચાઇલ્ડ બેનીફીટ ચાર્જ કહેવામાં આવે છે અને તેનો અર્થ એ છે કે તમે ચાઇલ્ડ બેનીફીટના અમુક અથવા બધા ભાગ માટે હકદાર રહેશો નહીં. જો તમારા જીવનસાથીની આવક £50,000થી વધુ હોય પરંતુ તમારી આવક ઓછી હોય, તો તમારા જીવનસાથીએ તેમના કરવેરા રિટર્નમાં ચાઇલ્ડ બેનીફીટ જાહેર કરવાની રહેશે.
જાન્યુઆરીની શરૂઆતમાં, 5.4 મિલિયન જેટલા લોકોએ હજુ સુધી તેમના રિટર્ન ભર્યા નથી. આ સમયમર્યાદા ચૂકી જનારને મોડા ફાઇલિંગ માટે £100નો દંડ કરાશે અને ત્રણ મહિના પછી, દરરોજ £10નો વધારાનો દૈનિક દંડ લાગુ કરવામાં આવે છે, જે મહત્તમ £900 સુધીનો હોય છે. છ મહિના પછી ફાઇલ કરનારને બાકી ટેક્સના ૫% અથવા £300નો વધારાનો દંડ કરાય છે. 12 મહિના પછી, બીજો 5% અથવા £300 ચાર્જ લાગુ કરવામાં આવે છે. ગયા વર્ષે, HMRC એ મોડા ફાઇલિંગ દંડમાં રેકોર્ડ £220 મિલિયન એકત્રિત કર્યા હતા