અમદાવાદના પીપળજ ખાતે PPP ધોરણે તૈયાર કરાયેલા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ગૃહ પ્રધાન અમિતભાઈ શાહના હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ પ્રસંગે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાંથી રોજેરોજ નીકળતા હજારો મેટ્રિક ટન કચરો પીરાણા ખાતે ડમ્પ કરવામાં આવે છે. આ કચરાના નિકાલ માટે હવે એક કદમ આગળ વધીને મ્યુનિ. દ્વારા પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે શરૂ કરવામાં આવેલો પ્લાન્ટ શહેરને સ્વચ્છ બનાવવાની સાથે વીજળી પણ ઉત્પન્ન કરી, પર્યાવરણને બચાવવાની દિશામાં યોગદાન આપશે.
પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશીપ (PPP) ધોરણે જિંદાલ અર્બન વેસ્ટ મેનેજમેન્ટ લિમિટેડ સાથે મળીને શરૂ કરવામાં આવેલો આ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ દૈનિક ધોરણે ૧૦૦૦ મેટ્રિક ટન કચરાનો નિકાલ કરીને ૧૫ મેગા વોટ જેટલી વીજળી ઉત્પન્ન કરશે.
પ્લાન્ટમાં મ્યુનિસિપલ સોલિડ વેસ્ટને આરડીએફ બેઈઝ માર્ટિન રિવર્સ ગ્રેટ ફાયરિંગ ટેક્નોલોજીની મદદથી બોઇલરમાં મ્યુનિસિપલ વેસ્ટ ઇન્સિનરેટ કરી ૬૫ TPH સ્ટીમ જનરેટ કરવામાં આવશે. આ સ્ટીમ વડે ટર્બાઈન મારફતે ૧૫ મેગા વોટ પ્રતિ કલાક વીજળી ઉત્પન્ન કરવામાં આવશે, જે પાવરગ્રિડમાં સપ્લાય થશે. આ પ્લાન્ટ આશરે રૂ. ૩૭૫ કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે.