કેનેડાની એક અદાલતે મંગળવારે 24 વર્ષના એક વ્યક્તિને શીખ બિઝનેસમેનની હત્યા બદલ આજીવન સજા ફટકારી હતી. આ શીખ બિઝનેસમેન 1985ના એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ કેસમાં શંકાસ્પદ હતો, પરંતુ પછીથી તેને નિર્દોષ જાહેર કરાયો હતો.
બ્રિટિશ કોલંબિયા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશે મંગળવારે ટેનર ફોક્સને શીખ ઉદ્યોગપતિ રિપુદમન સિંહ મલિકની હત્યા માટે 20 વર્ષ માટે પેરોલ વિના આજીવન કેદની સજા સંભળાવી હતી. 15 જુલાઇ, 2022એ બ્રિટિશ કોલંબિયાના સરેમાં મલિકની ગોળી મારીને હત્યા કરાઈ હતી.
2005માં મલિક અને સહ-આરોપી અજૈબ સિંહ બાગરીને એર ઈન્ડિયા બોમ્બ વિસ્ફોટ સંબંધિત સામૂહિક હત્યા અને કાવતરાના આરોપમાંથી નિર્દોષ જાહેર કરાયા હતાં.
મલિકની હત્યાના બે અઠવાડિયા પછી, કેનેડિયન પોલીસે બ્રિટિશ કોલંબિયાના એબોટ્સફોર્ડના રહેવાસી ફોક્સની ધરપકડ કરી હતી. આ કેસમાં જોસ લોપેઝ નામના શકમંદની પણ ધરપકડ કરાઈ હતી. તેઓએ ગયા ઓક્ટોબરમાં મલિકના સેકન્ડ-ડિગ્રી મર્ડરના આરોપો કબુલ્યા હતા. લોપેઝને શુક્રવારે સજા સંભળાવવામાં આવશે.
ફરિયાદીઓને ટાંકીને, ગ્લોબલ ન્યૂઝે મંગળવારે અહેવાલ આપ્યો હતો કે મલિકને મારવા માટે બે માણસોને ભાડે રાખવામાં આવ્યા હતા અને પૈસા ચૂકવવામાં આવ્યા હતા.
કેનેડાથી ભારત જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ 182ને બોંબ વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવી હતી અને વિમાનમાં સવાર તમામ 329 લોકોના મોત થયા હતા. મોટા ભાગના મૃતકો કેનેડિયન નાગરિકો હતો અને ભારતમાં સંબંધીઓને મળવા આવતા હતા. વિમાન એટલાન્ટિક મહાસાગરથી 31,000 ફૂટ ઉપર ઉડી રહ્યું હતું ત્યારે આગળના કાર્ગોમાં સુટકેસ બોમ્બ વિસ્ફોટ થયો હતો.