(ANI Photo)

કોંગ્રેસ તેના પુનરુત્થાનની રણનીતિ ઘડવા માટે ગુજરાતના અમદાવાદમાં 8-9 એપ્રિલે તેનું રાષ્ટ્રીય અધિવેશન યોજી રહી છે. ગુજરાતમાં 64 વર્ષ પછી યોજાઈ રહેલા આ અધિવેશનમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો સહિતના તમામ અગ્રણી નેતાઓ તથા 3,000થી વધુ પ્રતિનિધિઓ ભાજપના ગઢ ગણાતા ગુજરાતમાંથી પાર્ટીને ફરી બેઠી કરવાનું મંથન કરશે.

કોંગ્રેસ કાર્યકારી સમિતિ (CWC) બેઠક અને ઓલ ઈન્ડિયા કોંગ્રેસ સમિતિ (AICC) સેશન માટે ગુજરાત કોંગ્રેસ સજ્જ બની રહી હતી. અમદાવાદ ખાતેના કોંગ્રેસના કાર્યાલય સામાન્ય દિવસોમાં સુમસામ હોય છે, પરંતુ રાષ્ટ્રીય અધિવેશનને નેતાઓનું આગમન ચાલુ થતાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો.

AICC સત્ર માટે સાબરમતી રિવરફ્રન્ટ પર એક મોટો ડોમ બનાવવામાં આવ્યો છે, જ્યારે CWCની બેઠક માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક પરિસરમાં બીજું એક માળખું બનાવવામાં આવ્યું છે.

કોંગ્રેસની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થા CWCની બેઠક 8 એપ્રિલે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારક ખાતે યોજાશે, જ્યારે AICC સત્ર 9 એપ્રિલે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાશે. CWCની બેઠકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત 262 નેતાઓ ભાગ લેશે. CWC સેશનમાં રાજ્ય કોંગ્રેસ પ્રમુખો અને કોંગ્રેસ વિધાનસભા પક્ષના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે પાર્ટી તેના સંગઠનાત્મક કાયાકલ્પ અંગે અનેક જાહેરાતો કરે તેવી શક્યતા છે, જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખોને વધુ સત્તાઓ આપવી અને જવાબદારી સુનિશ્ચિત કરવી શામેલ છે.પાર્ટી આ વર્ષે અને આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેની રણનીતિને પણ અંતિમ સ્વરૂપ આપશે.

અમદાવાદ સેશન “ન્યાયપથ: સંકલ્પ, સમર્પણ અને સંઘર્ષ” થીમ પર યોજાશે, જેમાં 9 એપ્રિલના રોજ મુખ્ય સંમેલનમાં 1,700થી વધુ ચૂંટાયેલા અને સહ-ઓપ્ટેડ AICC સભ્યો હાજરી આપશે.આ સત્રમાં અનેક મહત્વપૂર્ણ ઠરાવો પસાર થવાની અપેક્ષા છે. કોંગ્રેસે સત્ર માટે એક મુસદ્દા સમિતિની પણ સ્થાપના કરી હતી.

આ વર્ષે મહાત્મા ગાંધીની પક્ષ પ્રમુખપદની 100મી વર્ષગાંઠ અને સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે, બંને ગુજરાતમાં જન્મેલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે. કોંગ્રેસનો ગુજરાત સાથે ઐતિહાસિક સંબંધ રહ્યો છે કારણ કે તેના દિગ્ગજ નેતાઓ, મહાત્મા ગાંધી અને વલ્લભભાઈ પટેલ, ગુજરાતથી આવ્યા હતાં અને પાર્ટીએ રાજ્યમાં તેના પાંચ અધિવેશન યોજ્યા છે, જેમાંના દરેકે દેશના ઇતિહાસને આકાર આપવામાં ફાળો આપ્યો છે.

અમદાવાદમાં ૮-૯ એપ્રિલના રોજ યોજાનાર ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)નું આગામી સત્ર રાજ્યમાં પાર્ટીનું છઠ્ઠું અને સ્વતંત્રતા પછીનું બીજું સત્ર હશે. ૧૮૮૫માં તેની સ્થાપના પછી અમદાવાદમાં કોંગ્રેસનું આ ત્રીજું સત્ર પણ હશે.

ગુજરાતમાં યોજાયેલા AICC સેશનના ઇતિહાસની વિગતો આપતા કોંગ્રેસના મહાસચિવ અને પ્રભારી સંદેશાવ્યવહાર જયરામ રમેશે રવિવારે જણાવ્યું હતું કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની સ્થાપના 28 ડિસેમ્બર, 1885ના રોજ થઈ હતી. તેની પહેલી બેઠક સુરેન્દ્રનાથ બેનર્જીના અધ્યક્ષતામાં 23-26 ડિસેમ્બર, 1902 દરમિયાન અમદાવાદ ખાતે મળી હતી.ગુજરાતમાં કોંગ્રેસની બીજી વખત બેઠક ૨૬-૨૭ ડિસેમ્બર, ૧૯૦૭ દરમિયાન સુરત ખાતે રાશબિહારી ઘોષના અધ્યક્ષપદ હેઠળ મળી હતી.

 

LEAVE A REPLY