હિંદુ કાઉન્સિલ યુકેએ સાઉથપોર્ટ હત્યાકાંડ અને તેના પ્રતિભાવમાં સમગ્ર દેશમાં ફેલાયેલી હિંસા અને રમખાણોની સખત નિંદા કરી ધર્મસ્થાનોની સુરક્ષા તથા યુકેમાં વસતા હિન્દુ સમુદાયને સલામતી જાળવવા પગલા લેવા અંગે માહિતી આપતું એક નિવેદન બહાર પાડી જરૂરી સાવચેતી રાખવા વિનંતી કરી છે.
નિવેદનમાં જણાવ્યું છે તે ‘’આ દુ:ખદ ઘટનાઓને દૂષિત ઈરાદા ધરાવતા લોકો દ્વારા ખોટી રીતે માઇગ્રન્ટ્સ, અશ્વેત અને એશિયન સમુદાયો સામે ભય અને વિભાજન ફેલાવવાના બહાના તરીકે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ક્રિયાઓ ખૂબ જ પરેશાન કરનારી અને સંપૂર્ણ રીતે ધર્મના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. આપણા મંદિરોને નફરત ફેલાવવા માંગતા લોકો દ્વારા નિશાન બનાવવામાં આવી શકે છે. હિન્દુ ધર્મમાં, વસુધૈવ કુટુમ્બકમની વિભાવના આપણને શીખવે છે કે વિશ્વ એક પરિવાર છે. જે જાતિવાદ અને નફરત ફેલાવવામાં આવી રહ્યો છે તે આપણા મૂલ્યોનું અપમાન છે. તેઓ પરસ્પર આદર અને સહઅસ્તિત્વના સિદ્ધાંતો પર બનેલા આપણા વૈવિધ્યસભર અને સમાજના ફેબ્રિકને તોડી નાખવાની ધમકી આપે છે.’’
આ નિવેદનમાં હિંદુઓ તરીકે, વ્યક્તિગત સલામતી સુનિશ્ચિત કરવા, આપણા સમુદાય અને મંદિરોનું રક્ષણ કરવા માટે સાવચેતી રાખવા, વિશ્વસનીય સ્ત્રોતો તરફથી માહિતી મેળવવા, સાર્વજનિક સ્થળોએ સાવધ રહેવા અને ઉશ્કેરવાનો પ્રયાસ કરતા લોકોથી દૂર રહેવા અપીલ કરાઇ હતી. આ ઉપરાંત મંદિરોની મુલાકાત લેતી વખતે કાળજી લેવા, ઘરને સુરક્ષિત રાખવા, મંદિરની સુરક્ષાને મજબૂત બનાવવા, મંદિરોને સુરક્ષા કેમેરા, એલાર્મ અને પર્યાપ્ત લાઇટિંગથી સજ્જ કરવા, વધારાની સુરક્ષા માટે સુરક્ષા કર્મચારીઓને ભાડે રાખવા, સ્થાનિક સત્તાવાળાઓ સાથે સંકલન કરવા, સ્થાનિક પોલીસ અને સત્તાવાળાઓ સાથે નિયમિત સંપર્ક રાખવા, મંદિરની દેખરેખ રાખવા માટે વોલંટીયર્સ ગોઠવવા પગલા લેવા કહેવાયું છે.
આ ઉપરાંત સુરક્ષા સમિતિઓ બનાવવા, અધિકૃત માહિતી જ શેર કરવા, સંવેદનશીલ લોકો, ખાસ કરીને વૃદ્ધો અને એકલા રહેતા લોકોની કાળજી લેવા; ઇમરજન્સીમાં ઘર અને મંદિર ખાલી કરવા, ફર્સ્ટ એઈડ ટ્રેનિંગ, ઇમરજન્સી માટે સંપર્કો હાથવગા રાખવા, એકતા અને સકારાત્મક જોડાણ માટે અન્ય ધાર્મિક અને સમુદાય જૂથો સાથે સંબંધો બનાવવા અને જરૂર પડે શાંતિ અને સંવાદિતાને પ્રોત્સાહન આપતા સંયુક્ત નિવેદનો બહાર પાડવા અપીલ કરાઇ હતી.