હિન્ડનબર્ગ રિસર્ચએ ભારતની શેરબજારની નિયમનકારી સંસ્થા સેબીના આરોપોને નકારી કાઢ્યાં હતા. સેબીએ આરોપ મૂક્યો હતો કે હિન્ડનબર્ગે ગયા વર્ષે અદાણી ગ્રૂપના શેરોમાં શોર્ટ સેલિંગ કરવા માટે યુએસ એસેટ મેનેજર સાથે સાંઠગાંઠ કરી હતી, જે સાબિત થશે તો દેશના નિયમોનો ભંગ થશે. સેબીએ આ મામલે હિન્ડનબર્ગને નોટિસ ફટકારી જવાબ માંગ્યો હતો.
હિન્ડેનબર્ગે સોમવારે તેની વેબસાઇટ પર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ની 46 પાનાની “કારણ બતાવો” નોટિસની એક નકલ પોસ્ટ કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે હિન્ડનબર્ગ રીસર્ચે અદાણી ગ્રૂપ સામે ગેરરીતિનો ગંભીર આક્ષેપો કર્યા હતાં અને તે પછી અદાણી ગ્રૂપના શેરોમાં ભારે ધોવાણ થયું હતું.
નોટિસમાં કહેવામાં આવ્યું હતું કે હિન્ડનબર્ગ, કિંગ્ડન કેપિટલ મેનેજમેન્ટ અને કોટક મહિન્દ્રા બેંક દ્વારા સ્થાપિત
મોરેશિયસ સ્થિત ટ્રેડિંગ ફંડ સહિતની છ સંસ્થાઓએ કેટલાક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. હિન્ડનબર્ગે એક નિવેદન આપીને સેબીના આરોપોને “નોનસેન્સ” ગણીને ફગાવી દીધા હતા. કિંગ્ડને મંગળવાર સુધી કોઇ પ્રતિક્રિયા આપી ન હતી. હિન્ડનબર્ગના નિવેદનમાં કિંગડન સાથેના તેના સંબંધનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો.
સેબીની નોટિસના જવાબમાં હિન્ડનબર્ગે જણાવ્યું હતું કે સેબીએ તેની જવાબદારીની અવગણના કરી છે, એવું લાગે છે કે સેબી ભોગ બનેલા રોકાણકારોની જગ્યાએ ફ્રોડ કરનારને બચાવવા માટે વધુ પ્રયાસો કરી રહી છે.
SEBIએ નોટિસમાં જણાવ્યું હતું કે તેને તેની તપાસ દરમિયાન યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC) પાસેથી અથવા તેના દ્વારા માહિતી મળી હતી.સેબીએ આરોપ મૂક્યો છે અદાણી ગ્રુપ અંગેનો રીસર્ચ રીપોર્ટ જાહેર કરતાં પહેલા હિન્ડનબર્ગે તેનો રીપોર્ટ તેના ક્લાયન્ટ કિંગ્ડન કેપિટલ મેનેજમેન્ટને આપ્યો હતો. આ રીપોર્ટને આધારે આ ફંડે અદાણી ગ્રુપના શેરોનું શોર્ટ સેલિંગ કરીને મોટી કમાણી કરી હતી. આ રીપોર્ટ મળ્યા પછી કિંગડન કેપિટલના માલિક અને સ્થાપક માર્ક કિંગ્ડને કે ઈન્ડિયા ઓપોર્ચ્યુનિટીઝ ફંડની સ્થાપના કરી હતી. આ ફંડે હિંડનબર્ગનો અહેવાલ પ્રકાશિત થયાના પાંચ દિવસ પહેલા 10 જાન્યુઆરી, 2023 અને જાન્યુઆરી 20, 2023 ની વચ્ચે અદાણી જૂથના શેરોમાં શોર્ટ પોઝિશન લીધી હતી.