કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (CAG) એ તેના ઓડિટ રીપોર્ટમાં ગુજરાતના આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ડોકટરો, નર્સો, પથારીની અછત અને વ્યાપક આરોગ્ય નીતિનો અભાવ જેવા અનેક ખામીઓની પોલ ખોલી છે.
શુક્રવારે વિધાનસભામાં રજૂ કરાયેલા ‘કેગ ઓફ ઇન્ડિયા ઓન પબ્લિક હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓફ હેલ્થ સર્વિસીસ’ નામના અહેવાલમાં જણાવાયું હતું કે 22 અને 19 જિલ્લાઓમાં અનુક્રમે 25 ટકાથી વધુ ડોકટરો અને પેરામેડિકલ સ્ટાફની અછત જોવા મળી છે. રાજ્યમાં કુલ 33 જિલ્લા છે. રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે જાહેર આરોગ્ય સંસ્થાઓ માટે માનવ સંસાધન વ્યવસ્થાપન માટે કોઈ નીતિ ઘડી નથી.
CAGએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે ૨૦૧૬ અને ૨૦૨૨ વચ્ચે ૯,૯૮૩ હેલ્થકેર કર્મચારીઓની ભરતી કરાઈ હતી. આમ છતાં માર્ચ ૨૦૨૨ સુધીમાં જાહેર આરોગ્ય સંસ્થાઓમાં ડોકટરો, નર્સો અને પેરામેડિક્સની અછત અનુક્રમે ૨૩, ૬ અને ૨૩ ટકા હતી. માર્ચ 2022 સુધીમાં જાહેર આરોગ્ય કેન્દ્રોમાં ડોકટરો, નર્સો અને પેરામેડિક્સ કેડરમાં એકંદર ખાલી જગ્યાઓ 13 ટકા હતી. સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલો (SDHs) અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો (CHCs)માં નિષ્ણાત ડોકટરોની ખાલી જગ્યાઓ અનુક્રમે 51 ટકા અને 49 ટકા હતી. ઇન્ડિયન ભારતીય નર્સિંગ કાઉન્સિલના ધોરણો વિરુદ્ધ નર્સિંગ કોલેજો/શાળાઓમાં શિક્ષણ કર્મચારીઓની 76 ટકા અછત જોવા મળી હતી.
રાષ્ટ્રીય ઓડિટરે ઇમરજન્સી, ઇન્ટેન્સિવ કેર યુનિટ (ICU), ઓપરેશન થિયેટર (OT) અને બ્લડ બેંક જેવી સેવાઓમાં ખામીઓ તરફ પણ ધ્યાન દોર્યું હતું.
