કોરોનાકાળ દરમિયાન અનોખી લોકસેવાઓ કરીને અભિનેતા સોનુ સૂદ ખૂબ જ જાણીતો થયો હતો. લોકોએ તેના કાર્યોની ખૂબ જ પ્રશંસા કરી હતી. આથી લોકો તેને વાસ્તવિક જીવનનો સાચ્ચો નાયક માનતા થયા છે. કોરોના ગયા પછી પણ તેણે સેવા કાર્યો કરવાનું જાળવી રાખ્યું છે અને આજે પણ તે અનેક લોકોને મદદ કરે છે અને લોકો તેના ઘરે મદદ મળવાની આશાએ પહોંચી પણ જાય છે.
તાજેતરમાં સોનુ સૂદે એક ઇન્ટર્વ્યૂમાં તેના ઘરમાં 20 કરોડના ટેક્સની ચોરીના પગલે પડેલી ઇન્કમટેક્સની રેઇડ અંગે વાત કરી હતી. આ વિશે સોનુએ કહ્યું હતું કે, તે સમજે છે કે ઇન્કમટેક્સ અધિકારીઓ તેમની ફરજ નિભાવે છે અને તે જાણે છે કે આ પ્રક્રિયામાં તેણે સંઘર્ષનો સામનો કરવો જ પડશે.
સોનુ સૂદે વધુમાં જણાવ્યું હતું કે, “મારા ઘરમાં એક પણ કબાટમાં તાળું નથી, આ ઉપરાંત ઘરનો મુખ્ય દરવાજો પણ ક્યારેય બંધ રહેતો નથી. અમે સવારે ઉઠીએ છીએ, એટલે દરવાજા ખોલી નાખીએ છીએ, જેથી જેને અંદર આવવું હોય એ આવી શકે છે. છેલ્લાં ઘણા વર્ષથી આવું જ છે. મને કેમેરા સામે આ વાત કરવામાં પણ કોઈ વાંધો નથી.”
સપ્ટેમ્બર 2021માં જ્યારે ઇન્કમટેક્સના અધિકારીઓએ સોનુના ઘરની મુલાકાત લીધી હતી એ દિવસ અંગે પણ તેણે વાત કરી હતી. સોનુએ ખુલાસો કર્યો હતો કે એ લોકો બધું જ જોઈ શકતાં હતાં, કારણ કે એ એમની નોકરી કરી રહ્યા હતા. એ સમયે પણ મારા ઘરની બહાર હજારો લોકો મદદ માટે લાઇનમાં ઊભાં હતાં. સોનુએ એ પણ સ્વીકાર્યું કે આ પ્રસંગ એના જીવનનો એક મહત્વનો દિવસ હતો. કોઈપણ માર્ગમાં વિઘ્ન અને સંઘર્ષ આવવાના જ છે. તેણે કહ્યું કે સાડા ચાર વર્ષ પછી પણ લોકો મદદ માટે લાઇનો લગાવે છે, એ જ મુશ્કેલીઓ સામે ટકી રહેવાની હિંમત દર્શાવે છે.
