કાશ્મીરના અનેક વિસ્તારોમાં સીઝનની પ્રથમ હિમવર્ષા થઈ હોવાથી નજીકના પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને દિલ્હી જેવા રાજ્યોમાં ઠંડીનો અનુભવ થયો હતો. બીજી તરફ સાઉથ ઇન્ડિયાના ઘણા વિસ્તારોમાં વરસાદ થયો હતો. કાશ્મીરના શોપિયાં, પુલવામા અને બારામુલ્લાના મેદાનો તેમજ અનંતનાગ, બડગામ અને બાંદીપોરાના ઉપરના વિસ્તારોમાં હળવી હિમવર્ષા થઈ હતી. ગુલમર્ગ, સોનમર્ગ, તંગમાર્ગ, ગુરેઝ અને ઝોજિલા પાસ જેવા પ્રવાસન સ્થળો સહિત ખીણના ઉપરના વિસ્તારોમાં હળવાથી મધ્યમ હિમવર્ષા થઈ હતી. સૂત્રોના જણાવ્યા મુજબ, આ હિમવર્ષાના કારણે શ્રીનગર-લેહ હાઈવે ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો હતો. જ્યારે બાંદીપોરા-ગુરેઝ રોડ અને મુગલ રોડ પણ બંધ કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં ગુરુવારે છેલ્લા ત્રણ વર્ષમાં ડિસેમ્બરનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. જ્યારે તાપમાનનો પારો 4.5 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ગયું હતું. હિમાચલ પ્રદેશમાં લાહૌલના ગોંડલા અને સ્પીતિમાં છેલ્લા 24 કલાકમાં હિમવર્ષા થઈ છે. ઉપરના વિસ્તારોમાં ઠંડીનું મોજું યથાવત છે. બુધવારે રાત્રે લાહૌલ-સ્પીતિમાં તાબો સૌથી ઠંડું સ્થળ હતું. જ્યાં લઘુત્તમ તાપમાન માઈનસ 11.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. લાહૌલ-સ્પીતિમાં કીલોંગ ઉદયપુર રોડ પાસે હિમવર્ષાને કારણે એક નદી થીજી ગઈ. શિમલા હવામાન કેન્દ્રે આગામી એક સપ્તાહ સુધી રાજ્યમાં શુષ્ક હવામાનની આગાહી કરી હતી.
બીજી તરફ સાઉથના રાજ્યો તમિલનાડુ, કર્ણાટક અને કેરળમાં વરસાદ પડ્યો હતો. ગુરુવારે તમિલનાડુના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે સત્તાવાળાઓએ ચેન્નાઈ અને અન્ય કેટલાક જિલ્લાઓમાં શાળાઓમાં રજા જાહેર કરી હતી. બેંગલુરુ અને કર્ણાટકના દક્ષિણ આંતરિક ભાગો અને દરિયાકાંઠાના જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો. જેના કારણે ટ્રાફિક જામ થયો હતો.