(ANI Photo)

હવામાન વિભાગની ગુજરાતના અનેક જિલ્લામાં 2થી 5 સપ્ટેમ્બર દરમિયાન ભારે વરસાદની આગાહી વચ્ચે દક્ષિણ અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં મંગળવાર, 3 સપ્ટેમ્બરે સતત બીજા દિવસે ભારે વરસાદ પડ્યો હતો. રાજ્યના 183 તાલુકામાં છેલ્લાં 24 કલાકમાં વરસાદ નોંધાયો હતો. 88 તાલુકામાં 2 ઇંચ અને 130 તાલુકામાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો.

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકામાં 3જી સપ્ટેમ્બરે પૂરા થયેલા 24 કલાક દરમિયાન લગભગ 12 ઇંચ (297 મીમી) વરસાદ નોંધાતા જનજીવનને અસર થઈ હતી. તાપીના વાલિયા, સોનગઢ અને વ્યારા તાલુકાઓમાં પણ અત્યંત ભારે વરસાદ નોંધાયો છે, જેમાં અનુક્રમે 10 અને 8.9 ઇંચ વરસાદ નોંધાયો હતો.

વડોદરા જિલ્લામાં કરજણમાં આશરે પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. વડોદરામાં બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. વડોદરામાં ચાર દિવસના વિરામ બાદ સોમવારે ફરી આખો દિવસ વરસાદી માહોલ રહ્યો હતો, પરંતુ સાંજ બાદ વરસાદે તેનું જોર દેખાડ્યું હતું.

વડોદરા જિલ્લાના સાવલીમાં 59 મી.મી, વડોદરામાં 49 મી.મી, પાદરામાં 25મી.મી, ડભોઈમાં 50મી.મી, કરજણમાં 121મી.મી, સિનોરમાં 56 અને ડેસરમાં 87 મી.મી. વરસાદ નોંધાયો હતો. વડોદરામાં આજે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરતાં વહીવટીતંત્ર સતર્ક બન્યું હતું.

3 સપ્ટેમ્બરે સવારે 6 વાગ્યે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ અને મધ્ય ગુજરાતના વિસ્તારો ભારે વરસાદથી સૌથી વધુ પ્રભાવિત થયા હતા. માંગરોળ, વાઘઈ, ભરૂચ, તિલકવાડા, ઉચ્છ, ડોલવણ, નડિયાદ, વાંસડા, સુબીર, લુણાવાડા, કપડવંજ, મોરવા (હડફ), કરજણ અને પ્રાંતિજ તાલુકાઓમાં 115.6 મીમી થી 204.4 મીમી સુધીનો ભારે વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગે 7 સપ્ટેમ્બર સુધી રાજ્યના દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય-ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી.

ગુજરાતના બીજા ક્રમના સૌથી મોટા ડેમ ઉકાઇ ડેમની જળસપાટીમાં સોમવારે વધારો થતાં પાણી છોડાયું હતું અને તેનાથી તાપી નદીના કિનારા પરના ગામોને એલર્ટ કરાયા હતાં.ડેમના 8 દરવાજા 1.52 મીટર ખોલવામાં આવ્યા  હતા. અંબિકા નદીમાં બે ટ્રક ફસાતા 10થી વધુ લોકોના જીવન પર જોખમ ઊભું થયું હતું.

4 સપ્ટેમ્બર, દક્ષિણ ગુજરાત પ્રદેશમાં અલગ-અલગ સ્થળોએ, ખાસ કરીને આણંદ અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની અપેક્ષા છે. દરમિયાન, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી તેમજ સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને બોટાદમાં ભારે વરસાદની યલો વોર્નિંગ અપાઈ હતી.

5 સપ્ટેમ્બરે, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અમદાવાદ તેમજ સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છ સહિત ગુજરાત પ્રદેશમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે.

 

LEAVE A REPLY