રાજકોટમાં ભારે વરસાદને કારણે જન્માષ્ટમીનો પરંપરાગત મેળો ધોવાઈ ગયો હતો અને ઠેરઠેર પાણી ભરાયા હતા. (PTI Photo)

ગુજરાતમાં વરસાદના રેડ અને યલો એલર્ટ વચ્ચે દક્ષિણ, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં શનિવાર 24થી 26 ઓગસ્ટ સુધી બારેમેઘ ખાંગા તથા તારાજી સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે 17,827 લોકોનું સ્થળાંતર કરાયું હતું અને પાણીમાં ફસાયેલા 1,653ને બચાવી લેવાયા હતા. રાજ્યમાં રાહત અને બચાવ કામગીરી માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF)ની 22 ટીમો તૈનાત કરાઈ હતી. વીજ પુરવઠો ખોરવાતા અસરગ્રસ્ત બનેલા 7,009 ગામોમાંથી 6,977 ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરાઇ હતી. વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત બનેલા 6,090 વીજ થાંભલાઓમાંથી 5,961નું સમારકામ કરાયું હતું.

સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને છોટા ઉદેપુર જિલ્લામાં કુલ 523 રસ્તાઓ બંધ કરાયા હતાં. ગુજરાતમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યની રાજધાનીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. મુખ્યપ્રધાન સોમવારે બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા હતાં અને વરસાદથી પ્રભાવિત વિસ્તારોના કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનરો અને જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સ કરીને સંબંધિત વિગતો એકઠી કરી હતી તથા રાહત અને બચાવ માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

24 કલાકમાં, રાજ્યના 33 જિલ્લાના 244 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. જેમાં સરેરાશ 63.36 મીમી વરસાદ નોંધાયો હતો. દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારી જિલ્લામાં 18 ઇંચ સુધીના ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી. સામાન્ય જન જીવન અને ટ્રાફિકની અવરજવર ખોરવાઈ ગઈ હતી. રાજ્યના 244 તાલુકા જળબંબાકાર થયા હતા. નવસારીના ખેરગામમાં 24 કલાકમાં 18.20 ઇંચ વરસાદ ખાબક્યો હતો. બીજી બાજુ કપરાડામાં 14 ઇંચ તથા ડાંગના આહવા વિસ્તારમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું.
રાજકોટમાં ભારે વરસાદને કારણે લોકમેળો ધોવાઈ ગયો હતો. અમદાવાદમાં રવિવારની રાત્રે આશરે છ ઇંચ વરસાદથી ઠેરઠેર પાણી ભરાયા હતા અને જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. લોકોને જરૂરી કામ વગર બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી હતી.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા મુજબ, વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રવિવારે સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળામાં 326 મિલીમીટર (આશરે 13 ઇંચ) વરસાદ નોંધાયો હતો, જે રાજ્યમાં સૌથી વધુ હતો. નવસારીના ખેરગામમાં સવારે 6 વાગ્યાથી 248 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. સુરત, તાપી અને નર્મદા જેવા જિલ્લાઓમાં પણ ભારે વરસાદને કારણે ભારે અસર થઈ હતી. વલસાડમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા 600થી વધુ લોકોને ભારે વરસાદને કારણે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા

નવસારીના એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ (ડિઝાસ્ટર) એ.એમ. ગામીતે જણાવ્યું હતું કે, “બીલીમોરા શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવતાં કુલ 17 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. વહીવટીતંત્ર પૂર્ણા અને કાવેરી નદીઓના વધતા જળ સ્તરો પર પણ નજર રાખી રહ્યું છે.”

શનિવારે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને ગામડાઓને જોડતા રાજ્ય ધોરીમાર્ગો અને રસ્તાઓ બ્લોક થયા હતાં.બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકામાં શનિવારે સવારે 6 વાગ્યે પૂરા થતા 24 કલાકમાં 112 મીમી વરસાદ નોંધાયો હતો. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં (102 મીમી) અને અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકામાં (101 મીમી) વરસાદ નોંધાયો હતો. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકામાં શનિવારે સવારે 6 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીના ચાર કલાકમાં 205 મિમી વરસાદ નોંધાયો હતો.

અમદાવાદ શહેરમાં પણ વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું હતું. છ રાજ્ય ધોરીમાર્ગો અને 36 પંચાયત રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં.નર્મદા, સુરેન્દ્રનગર, રાજકોટ, તાપી, મહિસાગર અને મોરબી, દાહોદ અને વડોદરાના અન્ય જિલ્લાઓમાં 100 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો.

રાજકોટમાં બારેમેઘ ખાગાં જેવી પરિસ્થિતિ થઈ હતી બપોર પછી વરસાદે રાજકોટને જાણે બાનમાં લીધુ હોય તેમ મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકાર કરી દીધા હતા. રસ્તાઓ પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને લોકોના સાતમ-આઠમના તહેવારોની મજા બગાડી હતી. શહેરમાં સવારથી બપોરના એક વાગ્યા સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ વડોદરા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ અને અમરેલી અને ભાવનગર સહિતના જિલ્લામાં મંગળવાર (25 ઓગસ્ટ) સુધી ‘અત્યંત ભારે’થી ‘ભારે વરસાદની’ આગાહી કરી હતી. IMDએ મંગળવારે આણંદ, રાજકોટ, જામનગર, પોરબંદર, મોરબી, દ્વારકા અને કચ્છ જિલ્લામાં અલગ અલગ વિસ્તારમાં ‘અત્યંત ભારે’ વરસાદ સાથે ‘ભારેથી અતિ ભારે’ વરસાદની આગાહી પણ કરી હતી.

LEAVE A REPLY