(PTI Photo/Shashank Parade)

મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં સોમવાર વહેલી સવારથી ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. ઠેર ઠેર પાણી ભરતા સબર્બ ટ્રેન સેવાઓ ખોરવાઈ ગઈ હતી. સોમવારે સવારે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધીના છ કલાકમાં શહેરના કેટલાક વિસ્તારોમાં 300 મિમીથી વધુ વરસાદ નોંધાયો હતી. ધોધમાર વરસાદને કારણે 50થી વધુ ફ્લાઈટ્સ રદ કરાઈ હતી અને ઘણી એરલાઇન્સે એરપોર્ટ પર જતા પહેલા ફ્લાઈટની સ્થિતિ તપાસવા વિનંતી કરી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ મુંબઈ, થાણે, પાલઘર અને કોંકણ બેલ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યો હતો. વિક્રોલીની વીર સાવરકર માર્ગ મ્યુનિસિપલ સ્કૂલ અને MCMCR પવઈમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ 315 મીમી વરસાદ નોંધાયો હતો.

આખા શહેરમાંથી આવેલા વિઝ્યુઅલમાં લોકોને કમર-સમા પાણીમાંથી પસાર થતા દેખાયા હતા. સમગ્ર શહેરમાં તમામ સરકારી, ખાનગી અને મ્યુનિસિપલ શાળાઓ અને કોલેજો બંધ રાખવામાં હતી. ડોમ્બિવલી સ્ટેશન નજીક ટ્રેનના ટ્રેક પાણીમાં ગરકાવ થયા હતાી. વરલી, બુંટારા ભવન, કુર્લા પૂર્વમાં, મુંબઈના કિંગ્સ સર્કલ વિસ્તાર, દાદર અને વિદ્યાવિહાર રેલ્વે સ્ટેશનમાં પાણી ભરાઈ જવાના અહેવાલ હતા. મુંબઈ અને મુંબઈ મેટ્રોપોલિટન રિજન (MMR)ના મોટા ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેના કારણે ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનો, રસ્તાઓ અને હાઈવેને અસર થઈ હતી. આ પૂરને કારણે અઠવાડિયાના પ્રથમ કામકાજના દિવસે કામ કરવા જતા લાખો મુસાફરો ફસાયા હતા અને સવારના સત્ર માટે શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર માત્ર છ કલાકમાં, શહેરના કેટલાક વિસ્તારોમાં સવારે 1 વાગ્યાથી સવારે 7 વાગ્યા સુધી 200મીમીથી 300 મીમી વરસાદ નોંધાયો હતો. આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી સાથે ધોધમાર વરસાદ યથાવત રહ્યો હતો.

LEAVE A REPLY