ગુજરાતના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
આ અંગે રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું હતું કે, વરસાદની પરિસ્થિતિનું SEOC ખાતેથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજ્ય તેમજ જિલ્લા કક્ષાએ ૨૪ x ૭ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર કાર્યરત છે. રાજ્યમાં જિલ્લાઓની આવશ્યકતા મુજબ એન.ડી.આર.એફ.ની કુલ ૧૦ ટીમો, એસ.ડી. આર.એફ.ની કુલ ૨૦ ટીમો ડિપ્લોય કરવામાં આવી છે. આ ઉપરાંત ૫ એન.ડી. આર.એફ.ની ટીમો રીઝર્વ રાખવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદને લીધે કુલ ૪૫ વ્યક્તિઓનો રેસ્ક્યુ તથા ૩૯૮ વ્યક્તિઓનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં થયેલ ભારે વરસાદના પરિણામે રાજ્યના ૫૭ ગામો અસરગ્રસ્ત છે. રાજ્યના ૦૯ સ્ટેટ હાઇવે, પંચાયતના ૧૭૪ રસ્તાઓ તથા અન્ય ૨૬ રસ્તાઓ મળી કુલ ૨૦૯ રસ્તાઓ અસરગ્રસ્ત થયા છે. ભારે વરસાદને પરિણામે ૩૫૯ ગામોમાં વીજ પુરવઠાને અસર પહોંચી હતી જે પૈકી ૩૧૪ ગામોમાં વીજ પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે તથા ૪૫ ગામોમાં કામગીરી પ્રગતિમાં છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યના દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, દેવભૂમિ દ્વારકા અને ગીર સોમનાથ જિલ્લાનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY