REUTERS/Karamallah Daher

લેબનોન સ્થિત ઇરાન સમર્થિત આતંકવાદી જૂથ હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચે રવિવાર, 25 ઓગસ્ટે એકબીજા પર ભીષણ હવાઇ હુમલા કર્યા હતા. હિઝબુલ્લા હુમલા કરશે તેવી માહિતીને આધારે ઇઝરાયેલા 100 યુદ્ધવિમાનોથી લેબનોનમાં હિઝબુલ્લાના અડ્ડા પર હુમલા કર્યા હતા. જોકે તેનાથી હિઝબુલ્લાને હુમલા કરતાં રોકી શકાયું ન હતું અને તેને વહેલી સવારે ઇઝરાયેલના મિલિટરી ટાર્ગેટ પર સેંકડો મિસાઇલો અને ડ્રોનથી હુમલા કર્યા હતાં. તેનો વળતો જવાબ આપતા ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં ડઝનબંધ રોકેટો છોડ્યા હતાં. બંને વચ્ચેની લડાઈથી મધ્યપૂર્વમાં મોટાપાયે યુદ્ધ ફાટી નીકળવાની શક્યતામાં વધારો થયો હતો.

હિઝબુલ્લાના રોકેટ અને ડ્રોન હુમલા પછી ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે 48 કલાકની દેશવ્યાપી ઇમર્જન્સી જાહેર કરી હતી. આશ્રય ઉપલબ્ધ હોય તેવી જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને કાર્યસ્થળો ચાલુ રાખવાનો આદેશ અપાયો હતો. લેબનોન સરહદ નજીકના બીચ બંધ કરાયા હતો.

હિઝબુલ્લાએ દાવો કર્યો હતો કે તેને ઉત્તરી ઇઝરાયેલ પર 320થી વધુ રોકેટ અને ડ્રોનથી હુમલા કર્યા હતા. IDF જણાવ્યું હતું કે લેબનોનથી લગભગ 210 રોકેટ અને 20 ડ્રોન છોડવામાં આવ્યા હતાં, જેમાં કેટલાકને હવામાં તોડી પડાયા હતા અને બીજા કેટલાંકથી નુકસાન અને ઇજાઓ થઈ હતી. ઇઝરાયેલના આગોતરા હવાઇ હુમલાથી તેની કાર્યવાહીને કોઇ અસર થઈ ન હતી અને તેની કાર્યવાહી સફળ રહી હતી.

ગયા મહિને બૈરુતમાં ઇઝરાયેલના હવાઇ હુમલામાં હિઝબુલ્લાના ટોચના નેતા ફોદ શોકોરનું મોત થયું હતું. આ હુમલાના જવાબમાં હિઝબુલ્લાએ આ કાર્યવાહી કરી હતી.

લેબનોન પર રવિવારે ઇઝરાયેલના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા. જોકે કેટલી જાનહાનિ અને નુકસાન થયું છે તેનો ચોક્કસ આંકડો બહાર આવ્યો ન હતો. ગયા ઓક્ટોબરમાં ચાલુ થયેલા ગાઝા યુદ્ધ પછી ઇઝરાયેલ અને હિઝબુલ્લાની એકબીજા સામેના આ સૌથી મોટો હુમલા હતાં.

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વોર્નિંગ આપી હતી કે અમારો એક સરળ નિયમ છે કે જે અમને નુકસાન પહોંચાડે છે, તેમને અમે નુકસાન પહોંચાડીએ છીએ. ઇઝરાયેલા આ હવાઈ હુમલાઓ સાથે કાર્યવાહીનો અંત આવતો નથી ઇઝરાયેલી દળો આશ્ચર્યજનક રીતે હિઝબુલ્લા પર ભીષણ હુમલા કરશે.

હિઝબુલ્લાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે રવિવારનું લશ્કરી ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયું છે. ઇઝરાયેલ અને ઇરાન સમર્થિત હિઝબુલ્લા વચ્ચેની લડાઈથી મધ્યપૂર્વમાં મોટાપાયે યુદ્ધ ફાટી નીકળવાની શક્યતા ઊભી થઈ છે અને તેનાથી આ યુદ્ધમાં ઇરાન અને અમેરિકા સહિતના દેશો જોડાઈ શકે છે. તેનાથી ગાઝામાં યુદ્ધવિરામના પ્રયાસોને પણ ફટકો પડ્યો હતો.

તેલ અવીવ એરપોર્ટ પર અનેક ફ્લાઇટ્સ રદ

તેલ અવીવમાં બેન ગુરિયન એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ કેન્સલ થઈ હતી અને ઘણી ફ્લાઇટ્સમાં વિલંબ થયો હતો. જોકે પછીથી એરપોર્ટને ફરી ખોલવામાં આવ્યું હતું. રોયલ જોર્ડનિયન, ટર્કિશ એરલાઇન્સ અને એર ફ્રાન્સ સહિતની એરલાઇન્સે બેરૂતની ફ્લાઇટ્સ રદ કરી હતી.

LEAVE A REPLY