ભારતીય હવામાન વિભાગ (IMD)એ ગુજરાતના ઘણા વિસ્તારોમાં 9 એપ્રિલ સુધી હીટવેવની વોર્નિંગ આપી હતી. આગામી ચાર દિવસમાં રાજ્યમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે 2-3°C નો વધારો થવાની સંભાવના છે, ત્યારબાદ કોઈ મોટો ફેરફાર થશે નહીં.
૬ એપ્રિલથી ૯ એપ્રિલ સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ગરમીનું મોજું ચાલુ રહેવાની ધારણા છે. IMDએ આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા હવામાનની ચેતવણી આપી હતી. છેલ્લા 24 કલાકમાં, કચ્છમાં હીટવેવની અસર જોવા મળી હતી. રાજ્યના ઘણા ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહ્યું હતું.
IMD બુલેટિન મુજબ, કચ્છમાં ગરમીનો ઓરેન્જ એલર્ટ અને રાજકોટ માટે 4 અને 5 એપ્રિલે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.6 થી 8 એપ્રિલ સુધી, રાજકોટ અને કચ્છ ઓરેન્જ એલર્ટ હેઠળ છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, પોરબંદર, જૂનાગઢ અને મોરબી યલો એલર્ટ હેઠળ છે.
9 એપ્રિલે રાજકોટ અને કચ્છ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને ગાંધીનગર માટે યલો વોર્નિંગ જારી કરાઈ છે. તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી, અધિકારીઓએ રહેવાસીઓને ગરમી સંબંધિત બીમારીઓ સામે સાવચેતી રાખવા વિનંતી કરી છે.
