(PTI Photo)
ઉત્તર અને પૂર્વીય ભારતના મોટાભાગનો રાજ્યોમાં બુધવાર, 198 જૂને ભીષણ ગરમીનો પ્રકોપ જારી રહ્યો હતો અને તેનાથી અનેક લોકો હીટસ્ટ્રોકનો શિકાર બન્યાં હતા. હીટવેવ વચ્ચે દિલ્હીની હોસ્પિટલોમાં 20 લોકોના મોત થયા હતા. ઉત્તર ભારતના ઘણા ભાગોમાં સતત હીટવેવને કારણે હીટસ્ટ્રોકના કેસો વધી રહ્યા હોવાથી, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કેન્દ્ર સરકાર સંચાલિત હોસ્પિટલોને હીટસ્ટ્રોકના દર્દીઓની પ્રાથમિકતાના આધારે સારવાર કરવા માટે એક એડવાઇઝરી જારી કરી હતી.
અસહ્ય ગરમીને કારણે વીજળીની માગ પણ વિક્રમજનક સ્તરે પહોંચી હતી. સામાન્ય કરતાં વધુ ગરમ રાત્રિઓને કારણે લોકોને રાત્રે પણ પણ કોઇ રાહત મળી ન હતી. મંગળવારે ઉત્તરપ્રદેશ, દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ઓછામાં ઓછા 10 સ્થળોએ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું અથવા વટાવી ગયું હતું.  ઉત્તરપ્રદેશનું ઓરાઈ 46.4 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ સ્થળ રહ્યું હતું.
આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ કેન્દ્ર દ્વારા સંચાલિત સરકારી હોસ્પિટલોની સ્થિતિ અને સજ્જતાની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને ખાસ હીટવેવ યુનિટ્સ શરૂ કરવામાં આવે તેની ખાતરી કરવા નિર્દેશ આપ્યો હતો. આ ઉનાળામાં રાષ્ટ્રીય રાજધાનીની માત્ર ત્રણ મોટી હોસ્પિટલોમાં 20 લોકોના મોત સાથે, દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ લોકોને હીટસ્ટ્રોક અને અન્ય ગરમી સંબંધિત સમસ્યાઓ સામે પોતાને સુરક્ષિત રાખવા માટે માર્ગદર્શિકા પણ બહાર પાડી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશ, દક્ષિણ ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પંજાબ અને ઉત્તર મધ્યપ્રદેશ, ઓડિશા, ઝારખંડ, બિહાર અને જમ્મુના વિસ્તારોમાં તીવ્ર હીટવેવની સ્થિતિ રહી હતી.
પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને ઉત્તર મધ્યપ્રદેશ, દક્ષિણ બિહાર અને ઉત્તર રાજસ્થાનના કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 44 થી 46 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહ્યું હતું.પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહેલી દિલ્હીમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાયું હતું જે સામાન્ય કરતાં પાંચ ડિગ્રી વધારે હતું. શહેરમાં લઘુત્તમ તાપમાન પણ 33.8 ડિગ્રી રહ્યું  હતું, જે વર્ષના આ સમય માટે સામાન્ય તાપમાન કરતાં ઓછામાં ઓછું છ ડિગ્રી વધારે હતું. મંગળવારે બપોરે રાષ્ટ્રીય રાજધાનીની પીક પાવર ડિમાન્ડ 8,647 મેગાવોટ સુધી પહોંચી હતી,જે શહેર માટે અત્યાર સુધીની સૌથી વધુ છે.
IMDના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઊંચું લઘુત્તમ તાપમાન અને ગરમ રાત્રિઓથી જીવલેણ ગરમીની અસર તીવ્ર બની હતી. રાત્રિનું ઊંચું તાપમાન ખતરનાક માનવામાં આવે છે કારણ કે શરીરને ઠંડુ થવાની તક મળતી નથી.

LEAVE A REPLY