બ્રિટનના સૌથી વ્યસ્ત લંડન હીથ્રો એરપોર્ટે પર પોતાના ગંતવ્ય સ્થળે જવા માટે વિમાન બદલતા મુસાફરોએ હવે ઓનલાઈન ETA પરમિટ લેવાની રહેશે નહિં. આ સુધારાને પગલે મુસાફરો, ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી અને હીથ્રોમાં ખુશીનો માહોલ ફેલાઇ ગયો છે.
આ નિર્ણય લેવાયો તે પહેલા યુકેના વિઝા વગર બ્રિટનમાં એરપોર્ટ પર વિમાન બદલવા માંગતા તમામ બિન-યુરોપિયન નાગરીકોએ અગાઉથી ઓનલાઈન અરજી કરવાની અને ઇલેક્ટ્રોનિક ટ્રાવેલ ઓથોરાઇઝેશન (ETA) માટે £10 ચૂકવવા પડતા હતા.
એરપોર્ટ અને એરલાઇન્સના અધિકારીઓએ આગાહી કરી હતી કે આ ETAના કારણે દરરોજ હજારો મુસાફરો યુરોપના અન્ય એરપોર્ટ તરફ વળશે અને હીથ્રોએ ચેતવણી આપી હતી કે તે દર વર્ષે 4 મિલિયન મુસાફરો ગુમાવી શકે છે.
લેબર પાર્ટીએ ઋષિ સુનકની સરકારની ETAની નીતિ ચાલુ રાખી હતી પરંતુ મિનિસ્ટર્સે દાવો કર્યો હતો કે ETA વિના એરસાઇડ ટ્રાન્ઝિટ ગેરકાયદેસર સ્થળાંતરનું જોખમ વધશે. પરંતુ હોમ ઓફિસે હીથ્રો અને એરલાઇન્સના દબાણ સામે ઝૂકીને માત્ર વિમાન બદલતા લોકો માટેના ETAની યોજના નાબુદ કરી છે.
હીથ્રોના ચીફ એક્ઝિક્યુટિવ, થોમસ વોલ્ડબાયે કહ્યું હતું કે “ETA યોજનામાંથી એરસાઇડ ટ્રાન્ઝિટ મુસાફરોને દૂર કરવાનો નિર્ણય યોગ્ય નિર્ણય છે અને અમે તેનું સ્વાગત કરીએ છીએ. આ એક મહત્વપૂર્ણ પગલું છે જે હીથ્રો અને સમગ્ર ઉડ્ડયન ઉદ્યોગ વિશ્વની અગ્રણી કનેક્ટિવિટી પર આધાર રાખતા દરેકને મદદ કરી શકે.’’
હોમ ઓફિસે ETA ની કિંમતમાં £10 થી £16 સુધીના સંભવિત વધારાની પણ જાહેરાત કરી હતી. વધારો ક્યારે અમલમાં આવશે તે જાણી શકાયું નથી. 2 એપ્રિલ 2025 થી બ્રિટિશ અને આઇરિશ નાગરિકો, UK વિઝા ધારકો અને “એરસાઇડ” ટ્રાન્ઝિટમાં બાકી રહેલા લોકો સિવાય UK માં આવનારા તમામ લોકોને ETA ની જરૂર પડશે.