એક સંશોધનમાં જણાયું હતું કે, અઠવાડિયાના અન્ય દિવસોની સરખામણીએ સોમવારે હૃદયરોગનો જીવલેણ હુમલો આવવાની સંભાવના વધુ હોય છે.
વૈજ્ઞાનિકોએ આયર્લેન્ડમાં પાંચ વર્ષના સમયગાળામાં હૃદયરોગના ગંભીર હુમલા સાથે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 10,528 દર્દીઓની તપાસ કરી હતી, તેમને જણાયું હતું કે, સોમવારે હુમલો આવવાનો દર 13 ટકા વધુ હતો. તેઓ એવું વિચારતા હતા કે, શરીરનું ઊંઘવાનું-જાગવાનું કુદરતી ચક્ર અથવા શરીરની 24 કલાકની શારીરિક-માનસિક પ્રક્રિયા વીકેન્ડમાં વિક્ષેપિત થાય છે. કારણ કે લોકો વીકેન્ડમાં મોડા સમય સુધી બહાર રહે છે અથવા આરામમાં હોય છે. જ્યારે લોકો સોમવારે વહેલી સવારે જાગે છે ત્યારે તેમનામાં બળતરા અને તણાવના હોર્મોન્સ ઉચ્ચ સ્તરે હોય છે, જે હાર્ટ એટેકનું કારણ બને છે.
આ સંશોધન માટે સૌથી ગંભીર પ્રકારના હાર્ટ એટેક, ST-સેગમેન્ટ એલિવેશન માયોકાર્ડિયલ ઇન્ફાકર્શન (STEMI) ધરાવતા દર્દીઓને સામેલ કરવામાં આવ્યા હતા, જે મુખ્ય ધમની સંપૂર્ણ અવરોધિત હોય ત્યારે આવે છે. યુકેમાં દર વર્ષે આ પ્રકારના હૃદયરોગના હુમલાને કારણે 30,000થી વધુ લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે. તેમને તાત્કાલિક સારવારની જરૂર હોય છે, સામાન્ય રીતે એન્જિયોપ્લાસ્ટી, એટલે કે જે ધમનીમાં લોહી અવરોધાતું હોય તેને પહોળી કરવા માટે તેમાં બલૂન દાખલ કરવામાં આવે છે.
બેલફાસ્ટ હેલ્થ એન્ડ સોશિયલ કેર ટ્રસ્ટમાં સંશોધનનું નેતૃત્વ કરનાર ડો. જેક લાફ્ફને જણાવ્યું હતું કે, “જે દિવસે અઠવાડિયાના કામની શરૂઆત કરીએ અને STEMIની એટેકની ઘટનાઓ વચ્ચે મજબૂત આંકડાકીય સંબંધ જોવા મળ્યો છે. આ અંગે અગાઉ પણ વર્ણન કરવામાં આવ્યું છે, પણ એક ઉત્તેજના રહે છે.
માન્ચેસ્ટરમાં બ્રિટિશ કાર્ડિયોવાસ્ક્યુલર સોસાયટીની કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવેલા આ અભ્યાસમાં આયર્લેન્ડના 7,112 અને નોર્ધન આયર્લૅન્ડના 3,416 દર્દીઓના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું, જે તમામને 2013 અને 2018 વચ્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અંગે બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશનના મેડિકલ ડાયરેક્ટર પ્રોફેસર સર નિલેશ સામાણીએ જણાવ્યું હતું કે, “યુકેમાં દર પાંચ મિનિટે કોઈને કોઇ વ્યક્તિને જીવલેણ હાર્ટ એટેકને કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, તેથી હાર્ટ એટેક શા માટે આવે છે તે જાણવાનું મહત્વપૂર્ણ સંશોધન ચાલુ રહે છે.
યુકેમાં હૃદયરોગના હુમલાને કારણે દર વર્ષે 100,000 લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે.
હાર્ટ એટેક માટેના જોખમી પરિબળોમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, મેદસ્વીતા, વધુ કોલેસ્ટ્રોલ, વાયુ પ્રદૂષણ અને ધૂમ્રપાનનો સમાવેશ થાય છે. દર 10માંથી અંદાજે સાત દર્દીઓનો જીવ બચી જાય છે, પરંતુ ઘણા દર્દીઓને હૃદયના સ્નાયુમાં લાંબાગાળાનું નુકસાન થાય છે, જેના કારણે હૃદય બંધ થઇ જાય છે.

LEAVE A REPLY