ઘરેલુ હિંસાનો ભોગ બનેલી માઇગ્રન્ટ યુવતી હર્ષિતા બ્રેલ્લાને શ્રધ્ધાંજલિ આપવા અને આવા બનાવોને રોકવા માટે જાગ્રુતી આણવા માટે શુક્રવાર, 24 જાન્યુઆરીના રોજ ઇસ્ટ લંડનના ઇલ્ફર્ડમાં બ્રિસ્બેન રોડ પર સાઉથોલ બ્લેક સિસ્ટર્સ (SBS) દ્વારા એક વિજિલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સંસ્થાના 40થી વધુ કાર્યકરો અને સમુદાયના સભ્યોએ હાજરી આપી હતી.
હર્ષિતાનો મૃતદેહ ગયા વર્ષે નોર્થમ્પ્ટનશાયરના કોર્બીમાં આવેલા તેના ઘરથી દૂર ઇલફર્ડના બ્રિસ્બેન રોડ પરથી મળી આવ્યો હતો. ઘરેલુ હિંસાનું મોટુ જોખમ ધરાવતી પીડિતા તરીકે ઓળખાયેલી હર્ષિતા કાયદાકીય અધિકારીઓના સંપર્કમાં હતી, પરંતુ તેની વિશેષ જરૂરિયાતો પૂર્ણ થઈ ન હોવાનું કહેવાય છે.
આ વિજીલમાં શ્યામ, લઘુમતી અને માઇગ્રન્ટ મહિલાઓને હિંસાથી બચાવવામાં સીસ્ટમની નિષ્ફળતાઓ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
ભારત સ્થિત હર્ષિતાના પરિવારે જવાબદારી અને ન્યાયની હાકલ કરતા કહ્યું હતું કે “અમે તેની વાર્તા સાંભળ્યા વગર રહેવા દઈ શકીએ નહીં.”
SBS ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સેલ્મા તાહાએ સરકારને માઇગ્રન્ટ પીડિતોના સમર્થનમાં રહેલી ખામીઓને દૂર કરવા વિનંતી કરી સમાન અધિકારો, ઘરેલુ હિંસાથી પીડીત લોકોને ઇન્ડેફીનેટ લીવ ટૂ રીમેઇનના અધિકારો આપવા અને ઇમિગ્રેશન ડેટા-શેરિંગને રોકવા માટે ફાયરવોલ રજૂ કરવા હાકલ કરી હતી.
ઉપસ્થિત લોકોએ ફૂલો અને મીણબત્તીઓ મૂકી શ્રદ્ધાંજલિ આપી હતી અને પ્રણાલીગત ખામીઓ પર દુ:ખ અને હતાશા વ્યક્ત કર્યા હતાં.