અમેરિકામાં પાંચ નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીએ શુક્રવારે કમલા હેરિસને સત્તાવાર રીતે તેના ઉમેદવાર જાહેર કર્યા પછી હરીફ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે હેરિસ બિનલોકશાહી રીતે ડેમોક્રેડિટ ઉમેદવાર બન્યા છે, કારણ કે તેમના નામ પર એક પણ મત પડ્યો નથી. તેમની ચૂંટાઈ આવવાની પ્રક્રિયા સામ્યવાદી ચીનની પ્રક્રિયાને યાદ અપાવે છે.
શુક્રવારે ભારતીય અને આફ્રિકન મૂળના વાઇસ પ્રેસિડન્ટ હેરિસને ડેમોક્રેટિક પાર્ટીના ડિલેગેટ્સે વર્ચ્યુઅલ મતદાન દ્વારા તેમના ઉમેદવાર તરીકે ચૂંટી કાઢ્યાં હતાં. પાંચ નવેમ્બરમાં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં હવે ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે મુકાબલો નિશ્ચિત બન્યો છે.
ટ્રમ્પ કેમ્પેઇને જણાવ્યું હતું કે કમલા હેરિસ સૌથી ઓછા લોકતાંત્રિક ઢબે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર બન્યાં છે, કારણ કે તેમના નામ પર પક્ષમાં એક પણ મત પડ્યો ન હતો. ડેમોક્રેટ્સ લોકશાહી માટે વાસ્તવિક ખતરો છે. આધુનિક યુએસ ઇતિહાસમાં સૌથી ઓછા લોકપ્રિય વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસને તેમના નામ પર એક પણ મત આપ્યા વિના પ્રેસિડન્ટની ચૂંટણી માટે ડેમોક્રેટિક નોમિની તરીકે સત્તાવાર રીતે ગોઠવી દેવામાં આવ્યાં છે. સામ્યવાદી ચીનની યાદ અપાવે તેવી પ્રક્રિયામાં ડેમોક્રેટ એલિટે તેમના અગાઉના નોમિની દૂર કર્યા છે અને પછી સૌથી ઓછી લોકશાહી રીતે કમલાનો રાજ્યાભિષેક કર્યો કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે અગાઉ ડેમોક્રેડિટ પાર્ટીના ઉમેદવાર જો બાઇડન હતાં,પરંતુ તેઓ ખસી ગયા હતાં.
ટ્રમ્પ કેમ્પેઇને જણાવ્યું હતું કે કમલા હેરિસ ખતરનાક ઉદાર વિચારસરણી ધરાવે છે અને ઓફિસ માટે ફિટનેસનો પણ સંપૂર્ણ અભાવ છે, તેથી પાર્ટી તેમને જનતાથી દૂર રાખી રહી છે.