ઇઝરાયેલની સેનાએ ગુરુવારે પુષ્ટિ કરી હતી કે હમાસના લશ્કરી વડા મોહમ્મદ ડેઇફ ગયા મહિને દક્ષિણ ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. પેલેસ્ટિનિયન ચળવળના વડા ઈસ્માઈલ હાનિયા ઇરાનમાં એક હુમલામાં મોત થયું હોવાના અહેવાલ વચ્ચે ઇઝરાયેલે આ જાહેરાત કરી હતી.ઈઝરાયેલે હાનિયાના મોતમાં તેનો હાથ હોવા અંગે કોઈ ટિપ્પણી કરી નથી.
સંરક્ષણ પ્રધાન યોવ ગેલન્ટે જણાવ્યું હતું કે, 13 જુલાઈએ ગાઝાના ઓસામા બિન લાદેન મોહમ્મદ ડીફને ખતમ કરવામાં આવ્યો હતો. આર્મીએ જણાવ્યું હતું કે ફાઇટર જેટ્સે 13 જુલાઇના રોજ ખાન યુનિસ પર હુમલો કર્યો હતો અને “ગુપ્ત માહિતીના મૂલ્યાંકન પછી, તે પુષ્ટિ કરી શકાય છે કે મોહમ્મદ ડેઇફ હુમલામાં ખતમ થઈ ગયો હતો”.તે તેના એક ટોચના કમાન્ડર રાફા સલામા સાથે માર્યો ગયો હતો.
હમાસ સંચાલિત ગાઝાના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે તે હુમલામાં 90થી વધુ લોકો માર્યા ગયા હતાં પરંતુ હમાસે તેમાં ડેઇફનો પણ સમાવેશ થતો હોવાનો ઇનકાર કર્યો હતો.સૈન્યએ જણાવ્યું હતું કે, “ડેઇફે 7મી ઓક્ટોબરના હત્યાકાંડ આયોજન કર્યું અને તેને અંજામ આપ્યો. હતો”
આમ ઇઝરાયલે છેલ્લા 72 કલાકમાં તેના ત્રણ સૌથી મોટા દુશ્મનોને મારી નાખ્યા છે. બુધવારે તેહરાનમાં હમાસના રાજકીય વડા હાનિયા અને બેરૂતમાં ઈરાનના સુરક્ષા સલાહકાર મિલાદ બેદીની હુમલામાં હત્યા કરવામાં આવી હતી.
મોહમ્મદ ડેઇફ ગાઝામાં હમાસનો ટોચનો કમાન્ડર હતો અને હમાસની લશ્કરી પાંખનું નેતૃત્વ કરતો હતો. ઇઝરાયલ ઘણા વર્ષોથી ડેઇફની શોધ કરી રહ્યું હતું. મોહમ્મદ ડેઇફનો જન્મ 1965માં ગાઝાના એક શરણાર્થી શિબિરમાં થયો હતો. 1987માં હમાસની રચના બાદ ડેઈફ યુવાનીમાં હમાસમાં જોડાયો હતો અને છેલ્લા કેટલાક વર્ષોથી હમાસની લશ્કરી પાંખ અલ-કાસમ બ્રિગેડની કમાન સંભાળી રહ્યો હતો.