ઈરાનમાં તેમના નિવાસસ્થાનને હુમલા પછી હમાસના વડા ઈસ્માઈલ હાનિયા અને તેના એક અંગરક્ષકનું મોત થયું છે. ઇસ્માઇલ હાનિયા મંગળવારે સવારે “તેહરાનમાં તેના નિવાસસ્થાન પર વિશ્વાસઘાતી ઝિઓનિસ્ટ હુમલામાં માર્યો ગયો હતો, એમ પેલેસ્ટિનિયન ગ્રુપ હમાસે બુધવારે એ નિવેદનમાં જણાવ્યું હતું. જો ઇઝરાયેલા તેને ઇરાનમાં ઘરમાં ધુસીને માર્યો હશે તો તે ઇઝરાયલ માટે સૌથી મોટો બદલો હશે કારણ કે સાત ઓક્ટોબરે ઇઝરાયેલ પર હુમલાના ઘાતકી હુમલાનો માસ્ટરમાઇન્ડ હાનિયા હતો. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે પણ તેના મૃત્યુની પુષ્ટિ કરતા કહ્યું હતું કે તેહરાનમાં હાનિયાના નિવાસસ્થાન પર “હુમલો” થયો હતો અને તે એક અંગરક્ષક સાથે માર્યો ગયો હતો.
હાનિયા ઈરાનના પ્રેસિડન્ટ મસૂદ પેઝેશ્કિયનના શપથ ગ્રહણમાં ભાગ લેવા ઈરાનની રાજધાનીમાં આવ્યો હતો. હમાસે હાનિયાની હત્યા માટે ઇઝરાયેલ પર આક્ષેપ કર્યો હતો અને ગાઝા યુદ્ધ વધુ વકરવાની ધમકી આપી હતી.
હાનિયાના મોત પર પ્રતિક્રિયા આપતા ઇઝરાયેલના પ્રધાન અમીચાય એલિયાહુએ X પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે “વિશ્વને આવી ગંદકીથી સાફ કરવાનો આ યોગ્ય માર્ગ છે.” ઈઝરાયેલે ઈસ્માઈલ હાનિયાને મારી નાખવાની અને 7 ઑક્ટોબરના હુમલા પછી હમાસ જૂથનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. ઇઝરાયેલના ગાઝામાં વળતા હુમલામાં અત્યાર સુધી 39,400 લોકોના મોત થયા છે.
2017માં હમાસના રાજકીય બ્યુરોના વડા તરીકે હાનિયા ચૂંટાયો હતો. હાનિયા મોટાભાગે તેનો સમય તુર્કી અને કતાર પસાર કરતો હતો.
ઇઝરાયેલ તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે તે પરિસ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યું છે પરંતુ નાગરિકો માટે કોઈ નવી સુરક્ષા માર્ગદર્શિકા જારી કરી નથી.