(AICC via PTI Photo)

ગુજરાતમાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે રાજ્યની બે દિવસની મુલાકાતે આવેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ શનિવારે અમદાવાદમાં પક્ષના કાર્યકરોને સંબોધન કરતાં ધડાકો કર્યો હતો કે ગુજરાતમાં અડધી કોંગ્રેસ ભાજપ સાથે મીલીભગત ધરાવે છે. ભાજપ માટે કામ કરતા નેતાઓ અને કાર્યકરોને કોંગ્રેસમાંથી બહાર કાઢવાની અને કડક કાર્યવાહી કરવાની જરૂર છે. આવા 20-40 લોકોને કાઢવા પડે તો કાઢી નાંખીશું.

લોકસભામાં વિપક્ષના નેતાએ આક્રમક ભાષણમાં જણાવ્યું હતું કે ગુજરાત કોંગ્રેસ નેતૃત્વમાં અને કાર્યકરોમાં બે પ્રકારના લોકો છે. એક પ્રકારના લોકો સાથે પ્રામાણિક છે, તેમના માટે લડે છે, તેમનો આદર કરે છે અને તેમના હૃદયમાં કોંગ્રેસની વિચારધારા છે. બીજી પ્રકારના નેતાઓનો લોકો સાથે સંપર્ક નથી, લોકોનો આદર કરતા નથી, અને જેમાંથી અડધા ભાજપ સાથે ભળેલા છે. પાર્ટીનું પહેલું કામ આ બે જૂથોને ફિલ્ટર કરવાનું હોવું જોઈએ, ભલે તેનો અર્થ નેતાઓને દૂર કરવાની કડક કાર્યવાહી કરવી પડે. જ્યાં સુધી કોંગ્રેસના બંને જૂથોને અલગ કરવામાં નહીં આવે ત્યાં સુધી ગુજરાતના લોકો પાર્ટીમાં વિશ્વાસ કરશે નહીં.

રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે રાજ્યના લોકો ફસાયેલા છે, અને હીરા, કાપડ અને સિરામિક ઉદ્યોગ બરબાદ થઈ ગયો છે. ગુજરાતના ખેડૂતોને જુઓ. તેઓ એક નવા વિઝનની માગણી કરી રહ્યાં છે. છેલ્લા 20-25 વર્ષોનું વિઝન નિષ્ફળ ગયું છે, અને કોંગ્રેસ આ વિઝન સરળતાથી પૂરું પાડી શકે છે. પરંતુ જ્યાં સુધી આ બે પ્રકારના લોકોને ફિલ્ટર ન કરવામાં આવે ત્યાં સુધી આ શક્ય નથી. ગુજરાત આગળ વધવા માંગે છે પણ આગળનો રસ્તો જોઈ શકતું નથી, અને કોંગ્રેસ પણ તેને રસ્તો બતાવી શકતી નથી. હું શરમ કે ડરથી બોલતો નથી, પણ હું તમારી સમક્ષ આ વાત મૂકવા માંગુ છું – આપણે ગુજરાતને રસ્તો બતાવવામાં અસમર્થ છીએ.

તેમણે કહ્યું હતું કે કોંગ્રેસમાં જિલ્લા, બ્લોક અને વરિષ્ઠ સ્તરે નેતાઓની કોઈ કમી નથી, પરંતુ તેઓ સાંકળોથી બંધાયેલા છે.મારા સહિત આપણા નેતાઓએ ગુજરાતના લોકો વચ્ચે જવું પડશે, તેમનો અવાજ સાંભળવો પડશે, તેઓ મારી પાસેથી શું અપેક્ષા રાખે છે, આપણે તેમના માટે શું કરી શકીએ છીએ.

કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી ગુજરાતના લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી શકી નથી

રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના નેતાઓને સ્પષ્ટ કર્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં ત્રણ દાયકાથી વધુ સમયથી સત્તાની બહાર છે અને જ્યારે પણ તેઓ રાજ્યની મુલાકાત લે છે ત્યારે ચર્ચાઓ ચૂંટણીની આસપાસ ફરે છે.પરંતુ પ્રશ્ન ચૂંટણીનો નથી. જ્યાં સુધી આપણે આપણી જવાબદારીઓ પૂર્ણ નહીં કરીએ, ત્યાં સુધી ગુજરાતના લોકો આપણને ચૂંટણી જીતવા નહીં દે. જે દિવસે આપણે આપણી જવાબદારીઓ પૂર્ણ કરીશું, તે દિવસે હું ખાતરી આપી શકું છું કે ગુજરાતના બધા લોકો આપણને ટેકો આપશે. કોંગ્રેસ છેલ્લા 30 વર્ષથી ગુજરાતના લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરી શકી નથી.

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી શુક્રવાર, 7 માર્ચની સવારે તેમના બે દિવસના ગુજરાત પ્રવાસના ભાગ રૂપે અમદાવાદ પહોંચ્યાં હતાં. આ મુલાકાત દરમિયાન તેમણએ 2027ની વિધાનસભા ચૂંટણી પર ધ્યાન કેન્દ્રિત કરીને પાર્ટીના નેતાઓ સાથે બેઠકો કરી હતી. અહીં ઉલ્લેખનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતમાં 1995થી ભાજપ શાસન છે અને કોંગ્રેસની હાલત ખરાબ છે.

એરપોર્ટ પર પહોંચ્યા પછી લોકસભામાં વિરોધ પક્ષના નેતા અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા ગુજરાત કોંગ્રેસના મુખ્યાલય ગયા હતાં. તેઓ સૌપ્રથમ ભૂતપૂર્વ રાજ્ય કોંગ્રેસના પ્રમુખો અને વિધાનસભામાં વિપક્ષના ભૂતપૂર્વ નેતાઓ સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓને મળ્યા હતાં. તેમણે રાજ્ય રાજકીય બાબતો સમિતિના સભ્યો સાથે બેઠક કરી હતી.

LEAVE A REPLY