ભારતમાં વર્ષ 2070 સુધીમાં કાર્બન ઉત્સર્જનને નેટ ઝીરો કરવાની દિશામાં, ગુજરાતની એક સક્રિય ભાગીદારી રહી છે. આ માટે નેચરલ ગેસના બહોળા ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને ગુજરાતના ઘરોમાં પાઇપ્ડ નેચરલ ગેસ કનેક્શનની (PNG) સંખ્યા ઝડપથી વધી રહી છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના પેટ્રોલિયમ પ્લાનિંગ એન્ડ એનાલિસિસ સેલ દ્વારા રજૂ કરાયેલા આંકડા અનુસાર ઓગસ્ટ 2023થી ફેબ્રુઆરી 2024 સુધીમાં ગુજરાતમાં PNG કનેક્શનમાં પોણા બે લાખનો વધારો થયો છે. જુલાઇ 31, 2023 સુધીમાં, ગુજરાતમાં ડોમેસ્ટિક PNG કનેક્શનની સંખ્યા 3,078,162 હતી જે 29 ફેબ્રુઆરી 2024માં 3,253,175 સુધી પહોંચી ગઇ છે. આ સાત મહિનામાં 5.6%ના વધારા સાથે કુલ 175,013 કનેક્શનનો વધારો થયો છે, જે ઘરગથ્થુ વપરાશમાં એક નોંધપાત્ર પ્રગતિ છે.
વ્યવસાયિક તેમજ ઔદ્યોગિક PNG કનેક્શનની સંખ્યામાં ગુજરાત સમગ્ર દેશમાં ટોચ પર છે. ગુજરાતમાં અત્યારે 23,445 વ્યવસાયિક તેમજ 5786 ઔદ્યોગિક PNG કનેક્શન છે. આ સંખ્યા બાકીના રાજ્યો કરતા નોંધપાત્ર રીતે વધારે છે.
આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં PNG નેટવર્ક પહોંચાડવામાં સફળતા મળી છે. ગુજરાત સરકારના જાહેર ક્ષેત્રના એકમ ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન (GSPC) હસ્તકની ગુજરાતની અગ્રણી કંપની ગુજરાત ગેસ લિમિટેડના (GGL) પાઇપલાઇન નેટવર્કમાં છેલ્લા દસ વર્ષમાં 158 ટકાનો વધારો થયો છે. વર્ષ 2014ના માર્ચ મહિનામાં GGLનું નેટવર્ક 13,517 કિલોમીટર હતું જે માર્ચ 2024 સુધી વધીને 34,832 કિલોમીટર સુધી પહોંચ્યું છે.

LEAVE A REPLY