
ઇન્ડિયન પ્રીમિયર લીગ 2025ની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શનિવાર, 29 માર્ચે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે મુંબઈ ઇન્ડિયન્સને 36 રને હરાવી વિજયનું ખાતુ ખોલાવ્યું હતું અને મુંબઈ ઇન્ડિયન્સ સામે અજેય રહેવાની પરંપરા જાળવી રાખીી હતી. અગાઉ પંજાબ કિંગ્સ સામે ગુજરાતનો પરાજય થયો હતો.
ગુજરાત ટાઇટન્સે 2025ની સિઝનમાં પોતાનો પ્રથમ વિજય હાંસલ કર્યો હતો. મુંબઈના સુકાની હાર્દિક પંડ્યાએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ગુજરાતે તેની 20 ઓવરમાં આઠ વિકેટે 197 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટનો પીછો કરતાં મુંબઈ ઇન્ડિયન્સે 20 ઓવરમાં છ વિકેટે 160 રન કર્યા હતા.ભારતીય કેપ્ટન અને ટી20નો અનુભવી એવો રોહિત શર્મા માત્ર આઠ રન કરી શક્યો હતો તો તેનો સાથી ઓપનર રાયન રિકેલ્ટન છ રન કરી શક્યો હતો.
તિલક વર્મા અને સૂર્યકુમાર યાદવેએ સ્કોર 97 સુધી પહોંચાડ્યો હતો તિલક વર્માએ 36 બોલમાં 39 રન ફટકાર્યા હતા. રોબિન મિન્ઝ આવતાંની સાથે જ આઉટ થઈ જતાં તમામ જવાબદારી સૂર્યકુમાર યાદવ પર આવી ગઈ હતી. યાદવે 28 બોલમાં ચાર સિક્સર સાથે 48 રન ફટકાર્યા હતા.
અગાઉ ગુજરાત ટાઇટન્સની ઇનિંગ્સ ઓપનર સાઈ સુદર્શન અને શુભમન ગિલે પાવર પ્લેમાં જ ટીમનો સ્કોર 66 સુધી પહોંચાડી દીધો હતો. નવમી ઓવરમાં ટીમનો સ્કોર 78 હતો ત્યારે કેપ્ટન ગિલ હરીફ કેપ્ટન હાર્દિક પંડ્યાની બોલિંગમાં વિકેટ આપી બેઠો હતો. તેણે 27 બોલમાં 38 રન ફટકાર્યા હતા જેમાં એક સિક્સર ઉપરાંત ચાર ચોગ્ગાનો સમાવેશ થતો હતો.
