જમ્મુ-કાશ્મીર, હિમાચલપ્રદેશ સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં સીઝનની પ્રથમ બરફવર્ષાની સાથે ગુજરાતમાં સોમવાર, 9 ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. સોમવારે રાજ્યમાં સૌથી નીચું લઘુત્તમ તાપમાન નલિયા ખાતે 7.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગુજરાતમાં બુધવાર સુધી ઠંડીનું મોજું જોવા મળે તેવી હવામાન વિભાગે આગાહી કરી હતી.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ સોમવારે આગાહીમાં કરી હતી કે રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન લઘુતમ તાપમાનાં આશરે બે ડિગ્રી જેટલો ઘટાડો થશે. આગામી 48 કલાક દરમિયાન ભાવનગર અને કચ્છના કેટલાક ભાગો સહિત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં શીત લહેરોની સ્થિતિ પ્રવર્તે તેવી સંભાવના છે.
મહુવા 9.1 ડિગ્રી સેલ્સિયસ, કંડલા એરપોર્ટ પર 10.3, ડીસામાં 10.6, વડોદરામાં 11, કેશોદમાં 11, રાજકોટમાં 11.8, ભુજમાં 12, ગાંધીનગરમાં 12, અમદાવાદમાં 13.9 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
અમદાવાદમાં 13.9 ડિગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 0.5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. આ ઉપરાંત દિવસ દરમિયાન સૂસવાટાભર્યા ઠંડા પવન ફૂંકાતાં ઠંડી અનુભવાઇ હતી. જમ્મુ-કાશ્મીર સહિત પશ્ચિમી હિમાલયના રાજ્યોમાં શિખરો પર ભારે હિમવર્ષાના કારણે ઠંડીમાં વધારો થયો છે. હિમવર્ષાના કારણે હિમાચલમાં 87 રસ્તાઓ બ્લોક થયા હતા.
અમદાવાદ અંગેની હવામાન વિભાગે જણાવ્યું છે કે મંગળવારે અમદાવાદનું લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી જેવું રહેવાની શક્યતા છે. પવનની ગતિ વધીને 14થી લઈને 20 કિમી પ્રતિકલાકની ઝડપ થશે. આ પવનની ગતિ એક અઠવાડિયા સુધી જોવા મળી શકે છે. આ સાથે અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન સાતથી આઠ ડિગ્રી સુધી પણ જઈ શકે છે. ખાસ કરીને કચ્છના નલિયા સહિતના વિસ્તારોમાં કોલ્ડવેવ જેવો માહોલ સર્જાઈ શકે છે.
ગુલમર્ગમાં માઈનસ 9.0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સમગ્ર કાશ્મીર ખીણમાં કોલ્ડવેવ વધુ તીવ્ર બની હતી. ગુલમર્ગમાં રવિવારે તાજી હિમવર્ષા થઈ હતી, તે ગઈકાલે રાત્રે કાશ્મીરમાં સૌથી ઠંડું સ્થળ બન્યું હતું. શિમલા અને આસપાસના પ્રવાસન સ્થળો કુફરી અને ફાગુમાં રવિવારે સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી.