(ANI Photo)

ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે જેલમાં બંધ બળાત્કારના ગુનેગાર નારાયણ સાંઈને તેના પિતા આસારામને રાજસ્થાનની જોધપુર જેલમાં ચાર કલાક માટે “માનવતાના ધોરણે” મળવાની મંજૂરી આપી હતી.

નારાયણ સાંઈ હાલમાં સુરતની જેલમાં બંધ છે. 2002 અને 2005ની વચ્ચે આસારામના આશ્રમમાં એક મહિલા પર વારંવાર જાતીય હુમલા કરવાના તેના પર આરોપ છે. બીજી તરફ તેના પિતા આસારામ પણ એક સગીરનું યૌન શોષણ કરવા બદલ જોધપુર સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે.

નારાયણ સાંઇ તેના પિતાને મળવા માટે 30 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા, પરંતુ હાઇકોર્ટે તેને નકારીને પોલીસ સુરક્ષા હેઠળ અને પોતાના ખર્ચે “માનવતાના આધારે” ચાર કલાક સુધી જોધપુર જેલમાં પિતાને મળવાની મંજૂરી આપી હતી. 30 દિવસ માટે જામીનની માંગણી કરતી અરજીમાં નારાયણ સાઈએ દાવો કર્યો હતો કે આસારામ 86 વર્ષના છે અને વિવિધ જીવલેણ બિમારીઓથી પીડિત છે અને તેમના જીવનનું ખૂબ જ જોખમ છે.દરેક પસાર થતી ક્ષણ સાથે, તેમની મેડિકલ સ્થિતિ બગડી રહી છે અને જેલ સત્તાવાળાઓ આવી આવશ્યકતાઓને સંભાળવા માટે સજ્જ નથી.

હાઇકોર્ટે આદેશ આપ્યો હતો કે માનવતાના આધારે, તેમજ આસારામની સ્વાસ્થ્યની સ્થિતિ અંગેના દસ્તાવેજો અને હકીકત એ છે કે અરજદાર છેલ્લા 11 વર્ષથી તેના પિતાને મળ્યો નથી, અમે સાઈને પોલીસ સાથે હવાઈ માર્ગે જોધપુર જેલમાં લઈ જવાનો નિર્દેશ કરવો યોગ્ય માનીએ છીએ.

 

LEAVE A REPLY